મહિલા દિવસની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થઇ રહી છે ત્યારે આંખ ઉઘાડતો કિસ્સો શહેરના માધુપુરા વિસ્તારમાંથી સામે આવ્યો. સુરત હોય અમદાવાદ હોય કે રાજ્યનું કોઈ પણ શહેર જ્યા પ્રેમ સંબધ મુદ્દે મહિલાની હત્યા ના બનાવો અટકી નથી રહ્યા. માધવપુર વિસ્તારમાં પણ એક તરફી પ્રેમમાં પાગલ એક યુવકે જાહેરમાં છરીના ઘા ઝીકી 35 વર્ષીય મહિલાની હત્યા કરી આરોપી યુવક ફરાર થઈ ગયો હતો.
CCTVમાં જોવાતા સમય પ્રમાણે બપોરે 4 વાગ્યાને 54 મિનિટે આ હત્યા થઇ છે. મળતી માહિતી મુજબ પ્રેમમાં ઝનૂન સવાર થતાં નિરવે આશાની હત્યા કરી નાંખી. માધુપુરામાં જયારે નિરવે આશા પર હુમલો કર્યો ત્યારે આસપાસના લોકો સ્તબ્ધ થઇ ગયા. નિરવની હેવાનિયત સામે લોકોના શ્વાસ થંભી ગયા. આશાને બચાવવા શું કરવું તેનો પણ વિચાર કોઇને ન આવ્યો.
લોકો નિરવની ક્રૂરતા જોઇને કાંપતા કાંપતા દૂર ચાલ્યા ગયા. રીતસરનો પોતાનો જ જીવ બચાવવા લોકો ત્યાંથી ખસી ગયા. CCTVમાં જોઇ શકાય છે. નિરવે કરેલા અચાનક હુમલા બાદ લોકોમાં અફરાતફરી જોવા મળી. આ ઘટના સાથે જોડાયેલી સૌથી મોટી વાત એ છે કે જ્યા આશાની હત્યા કરી દેવાઇ ત્યાંથી પોલીસ સ્ટેશન 100 મીટર દૂર જ છે.