ગુજરાતમાં ચોરી અને લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે. પોલીસ પેટ્રોલીંગ કરી રહી હોવાનો દાવો કરે છે પરંતુ ચોરો હવે નીડર બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ચોરી કરતી ઝારખંડથી આવી રહેલી ગેંગના એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તેની પાસેથી 70 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ 200થી વધુ મોબાઈલ ચોરીના ગુનાની કબૂલાત કરી છે. અમરાઈવાડી પોલીસના હાથે ઝડપાયેલો આરોપી ઈન્દર મંડલ ઝારખંડનો રહેવાસી છે.
કુલ 12.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
ઝારખંડની ગેંગ ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં બાળકો સાથે ચોરી કરવા આવતી હતી. પોલીસના હાથે ઝડપાયેલા આરોપી સહિત પાંચ લોકોની ટોળકી ઝારખંડથી અમદાવાદમાં મોબાઈલ ફોનની ચોરી કરવા આવી હતી. પોલીસને આશંકા છે કે આ ટોળકીએ દોઢ મહિનામાં 200થી વધુ મોબાઈલની ચોરી કરી છે. પોલીસે આરોપી ઈન્દર મંડલ પાસેથી લગભગ 70 સ્માર્ટફોન જપ્ત કર્યા છે. જેમાં 30 આઈફોન સહિત વિવિધ કંપનીના 70 ફોન મળીને કુલ 12.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
દોઢ મહિનામાં 70 ફોન ચોરાયા
પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા આરોપીઓએ જણાવ્યું કે દોઢ મહિનામાં ઝારખંડની ગેંગે કાંકરિયા કાર્નિવલ, સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવ, ફ્લાવર એક્ઝિબિશન અને કાઈટ ફેસ્ટિવલમાંથી ઘણા મોબાઈલની ચોરી કરી છે. તે ટ્રેનમાં અમદાવાદ આવતો હતો અને પૂર્વ વિસ્તારમાં ચાલી જેવી જગ્યાએ રૂમ રાખતો હતો. બાદમાં કાર્યક્રમો દરમિયાન તેઓ રિક્ષા દ્વારા શહેરમાં પહોંચતા હતા અને ભીડભાડવાળી જગ્યાએ ભેગા થઈને મોબાઈલ ફોનની ચોરી કરતા હતા.
ચોરીના મુખ્ય આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે
અમરાઈવાડી પોલીસે નક્કર માહિતી મળતા મોબાઈલ ચોરીનું રેકેટ પકડી પાડ્યું છે. જેમાં ચોરેલા મોબાઈલ ઝારખંડ લઈ જઈને વેચતા હતા. જ્યાં પોલીસને શંકા છે કે ચોરેલા મોબાઈલનો ઉપયોગ ઓનલાઈન છેતરપિંડીમાં થઈ રહ્યો છે. આથી પોલીસે મોબાઈલ ચોરીના મુખ્ય આરોપીને પકડવા માટે કમર કસી છે. ચોરાયેલા મોબાઈલના માલિક અમરાઈવાડી પોલીસનો સંપર્ક કરી શકે તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.