અમદાવાદ: પરિણીતાઓ ઉપર સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવાના અનેક કિસ્સાઓ બનતા રહે છે. ત્યારે અમદાવાદમાં પણ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. શહેરના મણીનગરમાં રહેતી એક યુવતીએ તેના સાસુ-સસરા, પતિ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે તેની સાસુ તેને જમવાનું સમયસર આપતા ન હતા અને જમવા બેસે ત્યારે ‘ઓછું જમજો, તમારે પાતળું થવાનું છે’ કહીને ત્રાસ આપતા હતા. એટલું જ નહીં નણંદ પણ આવા મ્હેંણા મારી યુવતીના લગ્ન બાદ ત્રાસ આપતી હતી. જ્યારે પતિ પણ મારઝૂડ કરી ત્રાસ આપતો હોવાથી યુવતીએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શહેરના મણીનગર વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2018માં બાપુનગર ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તેના સાસરિયાઓએ થોડા દિવસ સુધી તેને સારી રીતે રાખી હતી. બાદમાં સાસરિયાઓએ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. યુવતીની સાસુએ તેણીને “વધારે જાડી છે” એમ કહી મ્હેંણા મારી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને સમયસર જમવાનું પણ આપતા ન હતા. યુવતી જ્યારે જમવા બેસતી ત્યારે “વધારે જમતા નહીં, તમારે પાતળું થવાનું છે” એમ કહીને ત્રાસ આપતા હતા.
યુવતીના સસરા પણ તેની સાસુનો પક્ષ લઈ મનફાવે તેમ બોલતા હતા. તેઓ એવું કહેતા કે તમારી સાસુ કહે તેમ કરવાનું. આટલું જ નહી, યુવતીના સસરા વારંવાર તમારા મા-બાપે કરિયાવરમાં કંઈ આપ્યું નથી તેમ કહી વસ્તુઓની માગણી કરતા હતા. યુવતીને તેના સાસુ-સસરા જ નહીં પરંતુ નણંદ પણ બોલાચાલી કરી ત્રાસ આપતી હતી.
યુવતીની નણંદ તેના ભાઈને કહેતી કે કેવા ભાભી લઈને આવ્યા છો? આ બાબતને લઈને પતિ-પત્ની બંને વચ્ચે ઝઘડો પણ થતો હતો. વર્ષ 2018માં યુવતીને જ્યારે ગર્ભ રહ્યો હતો ત્યારે તેના પતિએ તેને ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવ્યો હતો. આટલું જ નહીં, યુવતીનો પતિ તેના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેપટોપ લાવ્યો હતો અને એકાંતમાં ગાળો બોલી તેને માર મારતો હતો.
યુવતીએ પોતાના સંસાર બચાવવા માટે આ બધા ત્રાસ સહન કર્યા હતા. આખરે કંટાળીને આ યુવતીએ તેના પતિ સાસુ-સસરા અને નણંદ સામે મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.