અમદાવાદઃ અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે ગરમીનો પારો ઉપર જતો જાય છે. જોકે, અત્યારના દિવસોમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનો અને ઉત્તર ભારત સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો હતો. જેના કારણે ગુજરાતમાં ગરમી હજી પ્રમાણમાં ઓછી છે. પરંતુ આગામી સમયમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં લોકોને હવે આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે.. કારણે કે આગામી 4 દિવસમાં મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાનું છે. અમદાવાદમાં ક્રમશ ગરમીનો પારો વધશે, તેમજ ગુરુવાર સુધી ગરમીનો પારો 2થી 3 ડિગ્રી વધીને 40 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા છે.
ઠંડા પવનોની અસરથી છેલ્લાં 3 દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજયના મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેને કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.
રવિવારે અમદાવાદ સહિત રાજ્યના 12 શહેરોમાં ગરમીનો પારો 37થી 38 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 38.8 ડિગ્રી સાથે મહુવા સૌથી ગરમ શહેર બન્યું હતું. પરંતુ, આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદ, વડોદરા અને અમરેલી સહિત રાજ્યના મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો વધશે.