અમદાવાદ (Ahmedabad)ના રાયપુરમાં રહેતી ૧૮ વર્ષની યુવતીએ ગુજરાત પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવી અમદાવાદનું ગૌરવ વધાર્યું છે. રાજ્યભરમાંથી આવેલા ખેલાડીઓ અમદાવાદમાં પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો. પરંતુ અમદાવાદની આ યુવતીએ મેદાનમાં ઉતરી તમામ ખેલાડીઓને પછડાટ આપી ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. ગુજરાત ચેમ્પિયનશીપ જીતી ગોલ્ડન ગર્લ પૂજા સોલંકીએ ગુજરાતનું ગૌરવ વધારી દીધુ હતું.
કહેવાય છે કે અડગ મનના માનવી ધારે તે કરી શકે છે. આ કહેવત ચરીતાર્થ કરી છે પૂજા સોલંકીએ. અમદાવાદના રાયપુરમાં રહેતી પૂજા સોલંકીએ અમદાવાદ ખાતે આયોજીત ગુજરાત લેવલની પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેણે ગુજરાતભરની ખેલાડીઓને પછાડ્યા બાદ ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ ચેમ્પિયનશીપમાં ગુજરાતભરની યુવતીએ ભાગ લીધો હતો. જેમાં વેઇટ લિફ્ટીંગ સ્પર્ધામાં 132.5 કિલો ડેડ લિફ્ટમાં ગોલ્ડ મેડલ જીતીને પૂજા સોલંકીએ એ સાબિત કરી દીધું કે દીકરી પણ પરિવારને ગૌરવ અપાવી શકે છે.
કહેવાય છે કે દરેક ખેલાડી પાછળ તેના ગુરૂની મહેનત પણ રહેલી હોય છે. ત્યારે પૂજા સોલંકીના કોચ બીપીન પરમારે સતત પૂજાને આ સ્પર્ધા માટે તૈયાર કરી હતી અને કડક પરિશ્રમનું જ આ પરિણામ છે કે પૂજા આજે ગોલ્ડન ગર્લ બનીને અમદાવાદને ગૌરવ અપાવ્યું છે.