રાજ્યમાં પોલીસે ગ્રેડ પે મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે કારણકે સરકારે આ મુદ્દાનો નિકાલ લાવવા કમીટી રચના કરી ખાત્રી આપી હતી જે વાતને આજે પાંચ મહિના નીકળી જવા છતાં પણ કોઈ નિર્ણય ન આવતા આખરે સસ્પેન્ડેડ પોલીસ કોન્ટેબલ નીલમ મકવાણાએ ગાંધીનગર ખાતે ઉપવાસ ચાલુ કરી દેતા નીલમ મકવાણાની અટક કરી લેવાઈ અને બાદમાં જામીન મળતા કોન્સ્ટેબલ નીલમ મકવાણા અમદાવાદના રખિયાલ ખાતે આવેલા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા તે વખતે તેઓને મળવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા, નીલમ મકવાણાને મળવા સેકટર 2 JcP ગૌતમ પરમાર, DCP અચલ ત્યાગી અને ACP સહિતના અધિકારી પહોંચ્યા હતા અને હજુપણ આ મુદ્દો અધ્ધર જ છે તેવે સમયે હવે નવી વાત સામે આવી છે જેમાં નિલમ મકવાણાને આ આંદોલન માટે સોશ્યલ મીડિયામાં સમર્થન આપનાર પોલીસ કર્મચારીઓને ઉપરી અધિકારીઓનું તેંડુ આવ્યું છે અને તેઓ સામે ખાતાકીય પગલાં ભરવા કવાયત શરૂ થઈ છે.
પોલીસ ગ્રેડ પે આંદોલનમાં શિસ્તભંગ કરનાર પોલીસકર્મીઓ સામે અને સોશ્યલ મીડિયામાં સમર્થન કરનાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અગાઉ પણ ગ્રેડ પે મુદ્દે વિરોધ કરનારા પોલીસકર્મીઓનીબદલીઓ કરી દેવામાં આવી હતી જેમાં 9 પોલીસ કર્મચારીઓની રાજ્યના વિવિધ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ બદલી કરી નાખવામાં આવી હતી.
મહત્વનું છે કે અગાઉ ગાંધીનગરમાં વિધાનસભા બહાર હાર્દિક પંડ્યા નામના કોન્સ્ટેબલ ધરણાં પર બેઠો હતો જેને ગ્રેડ પે અને સાતમા પગાર માંગને લઈ ધરણાં પર બેઠેલા સેક્ટર 7 પોલીસ દ્વારા કોન્સ્ટેબલને પોતાની અભિવ્યક્તિ રજૂ કરતાં રોકવામાં આવ્યો હતો અને પોલીસે પોલીસ કોન્ટેબલને ધરણાં સ્થળેથી ડિટેઇન કર્યો હતો.જે બાદ શિસ્તભંગ બદલ આ ધરણા કરનાર હાર્દિક પંડ્યાની જુનાગઢ બદલી કરી નાખવામાં આવી હતી.
હવે, નીલમ મકવાણા ને આંદોલનમાં સમર્થન કરનારા પોલીસ કર્મીઓનો વારો ચડ્યો છે અને જેતે કચેરી ઉપર હાજર થવા ફરમાન છૂટયું છે.
રાજ્યના પોલીસ વિભાગ દ્વારા પોલીસના ગ્રેડ-પે મામલે સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરીને લોકોને ગેરમાર્ગે દોરનારી પોસ્ટ મુકનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, આ બાબતે પોલીસ વિભાગ દ્વારા જેતે સમયના પત્રમાં સ્પષ્ટતા કરાઈ હતી કે, ગુજરાત પોલીસનું નીચું દેખાડવા અન્ય રાજ્યની સાથે ગુજરાતની ખોટી સરખામણી કરવામાં આવી રહી છે, અને સાતમાં પગારપંચ પ્રમાણે ચૂકવણી થતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે સાથેજ અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાત પોલીસને પગાર ઓછો હોવાની વાતને ભ્રામક ગણાવી છે અને સરકાર રાજ્યના પોલીસકર્મીઓને પગાર ભથ્થા સાથે અન્ય સુવિધાઓ આપતી હોવાનું જાહેર કર્યું છે.
આ બધા વચ્ચે હવે યુનિયનનો આખો મામલો ક્યાંથી શરૂ થયો તે જાણવા થોડું ભૂતકાળમાં જવું પડશે જેમાં પોલીસનું આંદોલન આ પહેલું નથી તે પણ જણાવી દઈએ, સૂચિત ઑલ ગુજરાત પોલીસ કૉન્સ્ટેબલ ઍસોસિયેશનની મર્યાદાઓ શુ છે ?
ગુજરાત સરકાર સામે 1986માં સૌથી પહેલાં પોલીસ યુનિયને સરકાર સામે આંદોલન કર્યું હતું અને જેતે સમયે આ મુદ્દો ભારે ગાજયો હતો.
ત્યારબાદ 1989માં આ યુનિયન પર પ્રતિબંધ મુકવામાં આવતા પોલીસ યુનિયન ખતમ થઈ ગયું હતું અને ખાસ્સી લાંબી કાનૂની લડાઈ બાદ પોલીસ યુનિયનની મંજૂરી મળી પણ તે સૂચિત છે. એટલે કે પોલીસ કર્મચારીઓ સીધું આંદોલન કરી શકતા નથી, અનુશાસિત ફોર્સ હોવાના કારણે તેમને યુનિયન બનાવવાની મંજૂરી નથી.
પોતાની માગોને જાહેરમાં વ્યક્ત કરી શકતા નથી, આંદોલન કરી શકતા નથી.
આથી તેઓએ ટેકનૉલૉજીનો ઉપયોગ શરૂ કર્યો.
જેમાં મુદ્દાની વાત એ છે કે “2019થી ગ્રેડ પે રૂપિયા 18 હજાર છે, જેને વધારવો જોઈએ.”
“સરકારના ત્રીજા વર્ગના કર્મચારી પ્રમાણે કૉન્સ્ટેબલને રૂપિયા 28 હજાર, હેડ કૉન્સ્ટેબલને રૂપિયા 36 હજાર અને એએસઆઈ (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર)ને રૂપિયા 42 હજારનો પગાર, માસિક રૂપિયા 20 સાઇકલ ઍલાઉન્સ વધારીને રૂપિયા 500, પોલીસ કૉન્સ્ટેબલને વીકલી-ઑફ અને જો ઇમર્જન્સીમાં વીકલી-ઑફ ન મળે તો રૂપિયા 1000નું ભથ્થું; તથા ડ્રેસ અને શૂઝ ઍલાઉન્સમાં વધારો થાય એ તેમની મુખ્ય માંગો છે.”
આ માગણીઓ 2019થી ચાલુ હતી પણ કોરોના મહામારી આવી એટલે પોલીસે આ માગણીઓને સાઈડ ઉપર મૂકી અને ફરજ ઉપર ધ્યાન આપ્યું હતું, પરંતુ હવે આ માંગ ચાલુ થઈ ગઈ અને તેઓ સીધા આંદોલન કરવાનો અધિકાર ધરાવતા નથી અને પોલીસ આંદોલન કરે ત્યારે પ્રજાને મોટું નુકશાન થાય એટલે ટેકનૉલૉજી મુજબ, સોશિયલ મીડિયાના આધારે બધું સપોર્ટ વાળું ચાલુ થતા મામલો આગળ જતાં વધુ વકરે નહિ તે માટે ઍડિશનલ ડીજીપી (ડાયરેક્ટર જનરલ પોલીસ) લૉ ઍન્ડ ઑર્ડર નરસિંહ્મા રાવ તોમરે એક પરિપત્ર બહાર પાડી આચારસંહિતા લગાડી સોશિયલ મીડિયા પર માગણીઓ સાથે વિરોધ કરવા પર પ્રતિબંધ મૂકી દેતા હવે ગાંધીનગર વિધાનસભા સામે આંદોલન કરનાર પોલીસ કર્મચારીઓ ની અટકાયત અને ગ્રેડ પે આંદોલનને સોશ્યલ મીડિયા ઉપર સમર્થન કરનાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવામાં આવી રહયા છે ત્યારે હવે કમિટીની રચના બાદ કોઈ નિર્ણય આવ્યો નથી અને આંદોલન પણ થઈ શકે તેમ ન હોય આગળ જતાં શું નિર્ણય આવે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.