ન્યૂયોર્કઃ અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ પોતાનો આતંક ફેલાવ્યો છે. કોરોનાએ વિશ્વભરમાં લાખો લોકોનો ભોગ લીધો છે. બીજી તરફ કોરોના સામે લડનાર દર્દીઓમાં એન્ટીબોડી મળી રહ્યા છે. ત્યારે એક આશ્ચર્યજનક કિસ્સો અમેરિકામાંથી સામે આવ્યો છે. દુનિયામાં પહેલી વાર સત્તાવાર રીતે એવાં બાળકના જન્મની પુષ્ટી થઈ છે જેના લોહીમાં કોરોના સામે લડનારા એન્ટિબોડી મળી આવ્યા છે. એન્ટિબોડી એટલે કે એવાં પ્રોટિન્સ જે શરીરના કોઈ વાઈરસ સામે લડવા માટે પ્રતિરોધક ક્ષમતા વધારે છે.
અહેવાલ અનુસાર કોઈ નવજાતના લોહીમાં કોરોના સામે લડનારા એન્ટિબોડી મળી આવવાનો આ મામલો અમેરિકાના ફ્લોરિડામાં સામે આવ્યો છે. ફ્લોરિડા એટલાન્ટિક યુનિવર્સિટીના નિષ્ણાતોએ આ બાળકની ગર્ભનાળના લોહીની તપાસ કરી હતી.
યુનિવર્સિટીના નિષ્ણાત પોલ ગિલબર્ટ અને ચેડ રુડનિસે આ મામલે અભ્યાસ રિપોર્ટ તૈયાર કર્યો હતો તેમાં આ મામલે પુષ્ટી થઇ હતી. માહિતી અનુસાર બાળકની માતાને પ્રસૂતિનાં ત્રણ સપ્તાહ પૂર્વે કોરોના વેક્સિનનો પહેલો ડૉઝ અપાયો હતો. તેના પછી નક્કી 28 દિવસના અંતરાળે બીજો ડૉઝ અપાયો હતો.
જોકે અભ્યાસમાં એ વાતની સ્પષ્ટતા થઈ નથી કે બાળકના લોહીમાં મળી આવેલા એન્ટિબોડીઝ તેને કોરોનાથી સુરક્ષિત રાખવામાં કેટલા અસરદાર સાબિત થશે?