કચ્છઃ માતા-પિતા પોતાના બાળકોને માર મારતા હોય એ સામાન્ય બાબત છે. પરંતુ ક્યારેક આવેશમાં આવીને પોતાના બાળકોને માર મારતા હોય છે કે બાળકો અધમુવા બની જાય. આવી જ એક ઘટના કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં સામે આવી છે. રાપર તાલુકાના ત્રંબો ગામે સગા બાપે દિકરીને વાયર વડે ક્રૂરતા પ્રુવક માર મારતા શરીરના પાછળ ભાગે તેના નીશાન ઉપસી આવ્યા હતા અને એક ક્ષણે તો માસુમ બેભાન થઈ ગઈ, ત્યાં સુધી માર મારતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ભચાઉ તાલુકાના ભરૂડીયા ગામના વતની અને હાલ ત્રંબોમાં વાડી કરતા નારણ હરિ ભાલાણી કોલીએ સંભવત રાજાપાઠમાં 7 વર્ષ ની માસુમ પુત્રીને માર મારતા રાપર ની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરાઈ હતી.
પુત્રીને છોડાવવા વચ્ચે તેની માતા પડતાં તેમને પણ માર મરાયાનું જાણવા મળે છે. આ બાબતે સરકારી હોસ્પિટલ દ્વારા પોલીસમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરાઈ હતી., તો સૂવઈના રહેવાસી અને બાળકીના નાના રામજીભાઈ ગેલાભાઇ કોલી એ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આવડી માસુમ છોકરીને અને તેની માતાને પણ માર મરાયો હોવાની જાણ થતા તે અંગે રાપર પોલીસને જણાવ્યું છે.
સુત્રોએ જણાવ્યું હતું કે સપ્તાહથી માસુમ દાદાના ઘરે ભરુડીયા હતી, જેને બાઈકમાં લેવા ગયેલા પિતાએ ત્યાંથી રસ્તામાંજ વાયર વડે મારતો મારતો લઈ આવ્યો હતો. ઘટનાની જાણ થતા ઓળખીતાઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પોલીસે પણ રાત્રે હોસ્પિટલ પહોંચીને નિવેદન લઈ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.