કચ્છથી શરૂઆત થયેલી દક્ષિણ ગુજરાત સુધી દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ થકી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટેનો આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં પ્રદેશ પ્રમુખ પટેલના હોમટાઉનમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં પહુંચ્યા છે. જ્યારે કેન્દ્ર ગૃહમંત્રી અમિતશાહ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપશે. ભાજપની બાઈક રેલીને કારણે શહેરમાં જગ્યા જગ્યા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
સ્નેહમિલન કાર્યક્રમને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઊમટી પડ્યા છે અને બધાજ કાર્યકર્તાઓએ કેસરી સાફો પહેર્યો છે. દરમિયાન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતભરના ઉત્સાહનો વધારો થયો છે. સુરત ઇતિહાસ રચવામાં માને છે. આજે પણ ઇતિહાસ રચાશે.
સમગ્ર રાજ્યમાં જે રીતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ કામ કરી રહ્યા છે. તે જોતાં સ્વભાવિક રીતે જ તેમની મહત્વકાંક્ષાને લઈને પણ ભારે ચર્ચાઓ થઈ રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભારી સફળતા અપાવવા માટે તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સી.આર.પાટિલ માટે આંતરિક કલહ ને પહોંચી વળવું સૌથી વધારે અઘરું લાગી રહ્યું છે. સી.આર.પાટીલ માટે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની ચૂંટણીમાં જે પ્રકારે ભાજપને સફળતા આપવામાં તેમની રણનીતિ કારગર સાબિત થઈ છે. તેને કારણે પાર્ટીમાં તેમનું કદ વધુ મજબુત થઇ રહ્યું છે.
સી.આર.પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી ખૂબ જ ઊંચી લીડથી જીતતા આવ્યા છે. સી. આર. પાટીલનું માઈક્રો મેનેજમેન્ટ અને કાર્યકર્તાઓની ફોજ ને કારણે તેઓ દક્ષિણ ગુજરાતમાં કદાવર નેતા તરીકેની ઇમેજ ઊભી કરવામાં સફળ રહ્યા છે. કાશીરામ રાણા બાદ પાટીલે પોતાનો દબદબો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બનાવ્યો છે. પ્રદેશ અધ્યક્ષ બની ગયા બાદ સી.આર.પાટીલ હવે ભાજપના પહેલા લાઈનના નેતાઓમાં ગણાય છે. ગુજરાતમાં સી.આર.પાટીલને લઈને જે થોડા ઘણા અંશે પણ સંગઠનાત્મક રીતે મતભેદ દેખાઈ રહ્યો છે. તેને સ્નેહમિલન કાર્યક્રમ થકી પોતાની તાકાત બતાવવી દેવાનો પૂરતો પ્રયાસ કરશે.
સ્નેહમિલન સમારોહમાં શહેરના 30 હજાર કરતાં વધુ કાર્યકર્તાઓ હાજર રહેશે. સમારોહ માટે ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડમાં એલઇડી ટીવી ગોઠવવામાં આવી છે. ગ્રાઉન્ડની બહાર 72/18 ઇંચની એલીડી ગોઠવવામાં આવી છે. કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ છે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને ઉપસ્થિત રહેવાના હોવાથી શહેર ભાજપ સંગઠનમાં ઉત્સાહમાં વધારો થયો છે.