કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતની જીતનો ફાયદો ઉઠાવશે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાત ભાજપના નેતાઓ સાથે વિચાર મંથન કર્યું હતું ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કર્ણાટકમાં જીત માટે એડીચોટીનું જોર લગાવશે.પાટીલને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. તેમની સાથે ગુજરાત ભાજપના ટોચના નેતાઓ કર્ણાટકની ચૂંટણીમાં જોડાશે. જે રીતે લોકસભા માટેનો પાયો ગુજરાતની પ્રચંડ જીત છે તેવી જ રીતે દક્ષિણ ભારતના રાજ્યોનો પાયો કર્ણાટક છે માટે કર્ણાટકમાં કમળ ખીલતું રાખવા ભાજપ જોરશોરથી તૈયારી કરી રહ્યું છે.
ત્યાર બાદ ભાજપ કેરળ, તમિલનાડું અને તેલંગણામાં પણ આગળ વધવા માંગે છે. કર્ણાટક ચૂંટણીમાં પણ ભાજપની 156ની સીટોની જીતની તાકાત એટલે કે આજ તર્જ પર ભાજપ આગળ વધશે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની જાહેરાત એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધીમાં થાય તેવી શક્યતા છે. આ માટે ભારતી જનતા પાર્ટીએ તેના ગુજરાત યુનિટના મોટા ચહેરાઓને કર્ણાટક મોકલવાની યોજના બનાવી રહી છે.
સત્તા જાળવી રાખવા માટે ગુજરાત ભાજપના નેતાઓ કર્ણાટકમાં સક્રિય થશે
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંનેની પ્રતિષ્ઠા દાવ પર છે. આ જ વ્યૂહરચના સાથે ગુજરાત ભાજપના નેતાઓ પણ ઉતરશે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં સૌથી મોટી જીત મળી છે. દક્ષિણના એકમાત્ર રાજ્યમાં સત્તા જાળવી રાખવા માટે ગુજરાત ભાજપના નેતાઓ કર્ણાટકમાં સક્રિય થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી 29 માર્ચે કર્ણાટકમાં એક દિવસના રોકાણ પર જશે. તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન, ભૂપેન્દ્ર પટેલ કર્ણાટકમાં રહેતા અને વ્યવસાય કરતા ગુજરાતી સમુદાયના લોકો અને નેતાઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર ઉદ્યોગપતિઓ અને સમાજના લોકોને રાજ્યમાં ભાજપની સરકાર બનાવવા માટે અપીલ કરશે.
મોદી-શાહની રણનિતી કર્ણાટકમાં થશે કારગત
પાર્ટીએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તેના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા કે જેઓ ગુજરાતના છે તેમને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. એવી પણ શક્યતા છે કે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી કર્ણાટક જીતવા માટે ગુજરાતના કેટલાક ટોચના નેતાઓને ફરજ પર મૂકી શકે છે. ગુજરાત બાદ ભાજપ માટે મોટી કસોટી તરીકે જોવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટી ફરી સરકાર બનાવવા માટે જ નહીં પરંતુ પોતાના દમ પર સત્તામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 80 અને જેડીએસને 37 બેઠકો મળી છે.