રાજકીય પક્ષો માંથી નેતાઓના રાજીનામા, તોડ જોડ, નારાજગી, ખરીદ વેચાણ, ની શરૂઆત થઈ ગઈ, કારણ કે ચુંટણી આવી છે, હવે આમાં આજે હાર્દિક પટેલનું નામ જોડાઈ ગયું.
વર્ષ 2017 ની ચુંટણી પછી રંગેચંગે હાર્દિક કોંગ્રેસમાં જોડાયો, હવે તમામ પદો પરથી આપ્યું રાજીનામું, હવે ક્યાં જશે, ખબર નથી, પણ જશે તો ભાજપમાં જ, લોકો માની રહ્યાં છે.
માનભેર કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલ હમણાં સુધી બહુ ગેલમાં રહેલો, કૉંગ્રેસની વિચારધારામાં પૂર્ણ રૂપે ડૂબેલો હોય તેમ કોંગ્રેસે પણ ખૂબ રાખ્યો, સ્વાર્થ ખાતર હાર્દિકને રાજ્યમાં ડાયરેક્ટ કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો, અનેક કામો પણ આપ્યાં, હવે શું થયું કે હાર્દિકને કોંગ્રેસ નકામી કે નપાણી લાગવા માંડી?
સમગ્ર દેશમાં કોંગ્રેસ એક પછી એક ચુંટણીઓ હારતી જાય છે, એક સમયે દેશમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ કરતા તો હાલમાં અન્ય પાર્ટીઓનું જોર વધારે છે, ગુજરાતમાં ગઈ ચુંટણીમાં આશા હતી, પણ સત્તાધારી ભાજપે કોંગ્રેસને ફાવવા ન દીધી, ચુંટણી બાદ જે રીતે કોંગ્રેસના નેતાઓ પાટલી બદલવા માંડ્યા ત્યારથી નક્કી થઈ ગયું કે હવે કોંગ્રેસ નું શું થશે.
હાર્દિક પટેલની ઉંમર માત્ર 27 વર્ષ છે, સત્તા અનુભવી નથી, પણ સત્તાના રસના અભરખા ભરપૂર છે, જે કોંગ્રેસમાંથી પૂરા નહિ થાય તેવું દેખાઇ આવે છે, રસ તો પાકેલા ફળમાંથી જ મળવાનો, સુકાયેલું ફળ રસ થોડો આપી શકે?
વર્ષ 2015માં આનંદીબેન પટેલની સરકાર સમયે પાટીદાર આંદોલન થયેલું, જેમાં હાર્દિક પટેલ પર અનેક કેસો થયા છે, અમુક કેસો ખૂબ ગંભીર છે, જેને સામાન્ય રીતે પહોંચી વળવા મુશ્કેલ છે, પછી ભલે આખે આખી કોંગ્રેસ તેની સાથે ઊભી રહે.
હજી તો રાજનીતિમાં પગથિયાં ચડતાં હાર્દિક પટેલ આનો સામનો કરવા માટે સક્ષમ નથી, કારણકે સામે સત્તાધારી ભાજપ છે, જે કોઈ કાળે પહોંચવા નહિ દે, એટલે દુશ્મન સામે ભાઈબંધી જ કરી લઈએ તો, પરિણામે બધું સગુવગુ થઈ જાય. શક્યતાઓ આવી પણ હોઈ શકે ને.
પાટીદાર આંદોલનના મોટા ભાગના નેતાઓ સેટ થઈ ગયા છે, ગોપાલ ઇટાલિયા પૂરી ગતિમાં છે, વરુણ પટેલ ભાજપમાં ઊંચા પદ પર ક્યારના બેસી ગયા છે, અલ્પેશ કથીરીયા અને દિનેશ બાંભણિયાને રાજનીતિની શરૂઆત કરવામાં કોઈ બીક નથી દેખાતી.
હવે આમાં બાકી રહ્યો હાર્દિક પટેલ, આ બધામાંથી સૌથી મોટો ચહેરો તો હાર્દિક પટેલનો હતો, જે હવે ગોથે ચડ્યો છે, ચુંટણી આવી જ ગઈ છે, ને હજી કોઈ ચોક્કસ ઠેકાણું નથી પડ્યું, આવી પરિસ્થિતિમાં કહેવાય છે કે જે તરફ વાયરો વાય છે તે જ તરફ જવાય, કદાચ હાર્દિકભાઈને આ ખ્યાલ છે, અને વાયરા તરફ ચાલવા માંડ્યા હોય… આવું પણ બની શકે ને.
ગત 2017 ની વિધાનસભાની ચુંટણીમાં હાર્દિક પટેલ કોંગ્રેસની બહાર રહેલો, પણ કોંગ્રેસમાં ખૂબ ચાલેલું, નવો વરરાજો હતો ને! અનેક લોકોને હાર્દિકના કહેવાથી કોંગ્રેસે ટિકિટ આપેલી, હવે 2022ની ચુંટણીમાં કોંગ્રેસમાં હાર્દિકનું આટલું બધું તો ના પણ ચાલે, એટલે દુઃખ તો થવાનું જ, સામે સત્તાધારી પાર્ટીમાં ભળવાથી ત્યાં પણ નવી વરરાજો બનવા મળે, અને ત્યાં ચાલે તો ભાઇને ફાયદો જ ફાયદો, સત્તા પણ મળે, અને પોતાની વાત પણ ચાલે.
વાત હવે નરેશ પટેલ સાથેની. નરેશ પટેલ માની શકાય ત્યાં સુધી કોંગ્રેસમાં જોડાય, એક મોટા પાટીદાર નેતા પોતાના જ પક્ષમાં જોડાય જાય, તો તેનો વટ આસમાને પહોંચે, ત્યારે પહેલેથી વટ પાડતાં હાર્દિકભાઈ નું શું? એમને તો કોઈ પૂછે પણ નઈ, એનાથી તો સારું છે કે નવી જગ્યાએ જઈને વટ પાડીએ! આવું પણ બની શકે.
ખેર, રાજકારણ છે, ચુંટણીને હજી તો 6 મહિનાઓ છે, ખેલાડીઓ ઓછાં નથી, ખેલ ચાલુ રહેવાનો, અને આપણે… આપણે તો માત્ર જોતાં રહેવાનું.