Adani Group Stocks: ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ યુદ્ધનો ભય વધુ પ્રબળ બન્યો છે. ઈઝરાયેલે પણ હુમલાનો જવાબ આપવાની જાહેરાત કરી છે. બંને દેશો વચ્ચેના આ તણાવ વચ્ચે અદાણી ગ્રુપના શેરો તૂટ્યા છે. ભારતીય શેરબજારમાં પણ ભૂકંપ આવ્યો છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સીધી અસર અદાણી ગ્રુપ પર પણ પડશે. કારણ કે,
અદાણી પોર્ટ્સ ઉત્તરી ઈઝરાયેલમાં હાઈફા બંદરનું સંચાલન કરે છે અને ઈરાન દ્વારા તાજેતરના ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો કોઈપણ સંઘર્ષ ચિંતાનો વિષય બની શકે છે. તેની અસર આજે અદાણી ગ્રુપના શેરો પર જોવા મળી રહી છે.
અદાણી પાવર 4.12 ટકા ઘટીને રૂ. 570.65 થયો હતો. અદાણી ગ્રીન એનર્જી પણ 4.32 ટકા ઘટીને રૂ. 1802ની આસપાસ છે. અદાણી એન્ટરપ્રાઈઝમાં 3.20 ટકાનો ઘટાડો છે. અદાણી ટોટલ પણ 4 ટકાથી વધુ ઘટ્યો છે.
અદાણી પોર્ટ્સમાં 2.45 ટકાનો ઘટાડો છે અને તે રૂ. 1311.30 પર છે. અદાણી એનર્જી સોલ્યુશનમાં 3.60 ટકાનો ઘટાડો છે અને તે રૂ. 1030.45 પર છે. ACC પણ 1.35 ટકા ઘટીને રૂ. 2435 પર ટ્રેડ કરી રહ્યો છે. અંબુજા સિમેન્ટ પણ 1 ટકાથી વધુ ઘટીને રૂ. 602ની નજીક છે. NDTV પણ 3.84 ટકા ઘટીને રૂ. 216.90 પર ટ્રેડ કરી રહ્યો હતો.
સવારે 10.45 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 761 પોઈન્ટના ઘટાડા સાથે 73483 ના સ્તર પર હતો. ટાટા મોટર્સને અહીં સૌથી વધુ નુકસાન થયું હતું. લગભગ 3 ટકાનો ઘટાડો હતો. જ્યારે ઘટાડાની બેવડી સદી ફટકાર્યા બાદ નિફ્ટી 226 પોઈન્ટના ઘટાડા સાથે 22293ના સ્તરે હતો. અહીં ટાટા કન્ઝ્યુમર, ટાટા મોટર્સ, બીપીસીએલ, અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સ ટોપ લોઝર હતા.