દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસનો કોન્સોલિડેટેડ નફો નાણાકીય વર્ષ 2023ના માર્ચ ક્વાર્ટર દરમિયાન 7.8 ટકાની વૃદ્ધિ સાથે રૂ.6,128 કરોડ નોંધાયો છે. કંપનીનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2022ના ચોથા ક્વાર્ટર દરમિયાન (વ્યાજ બાદ) રૂ.5,686 કરોડ નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્વિતતાઓ વચ્ચે પણ કંપનીએ આવકમાં 4-7 ટકાની વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કર્યો છે. બેંગ્લુરુ સ્થિત આઇટી કંપનીની કોન્સોલિડેટેડ આવક નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં 16 ટકા વધીને રૂ.37,441 કરોડ નોંધાઇ છે. કંપનીએ શેરધારકો માટે શેરદીઠ રૂ.17.50નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
કંપનીનો માર્ચ દરમિયાન ચોખ્ખો નફો 7 ટકા ઘટ્યો હતો જ્યારે વેચાણમાં પણ 2.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. માર્ચના અંતે પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન ઇન્ફોસિસનું ઓપરેટિંગ માર્જિન પણ 50 બેસિસ પોઇન્ટ ઘટીને 21% નોંધાયું છે. કંપનીએ નાણાકીય વર્ષ 2023 માટે $2.1 અબજની TCV ડીલ મેળવી હતી.
ચાલુ વર્ષના જાન્યુઆરી દરમિયાન ત્રીજા ક્વાર્ટરની આવકનો અંદાજ વ્યક્ત કરતા ઇન્ફોસિસે નાણાકીય વર્ષ 2023 દરમિયાન આવકનો અંદાજ અગાઉના 15-16 ટકાથી વધારીને 16-16.5 ટકા વ્યક્ત કર્યો છે. નાણાકીય વર્ષ 2023ના સમગ્ર વર્ષ માટે, ચોખ્ખો નફો 9 ટકાના ઉછાળા સાથે રૂ.24,095 કરોડ રહ્યો હતો, જ્યારે આવક પણ સમગ્ર વર્ષ દરમિયાન 20.7 ટકાની વૃદ્ધિ સાથે રૂ.146.76 કરોડ નોંધાઇ છે.
ઇન્ફોસિસના CEO અને એમડી સલિલ પરીખે જણાવ્યું હતું કે માહોલમાં ફેરફાર થયો છે ત્યારે અમે અમારા ક્લાયન્ટ તરફથી કાર્યક્ષમતા ખર્ચ અને કોન્સોલિડેશનની તકો માટેની રૂચિને જોઇ શકીએ છે. જેના પરિણામે આગામી સમયમાં અનેક ડીલની સંભાવના રહેલી છે. ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરમાં ઇન્ફોસિસના બિઝનેસને અસર થઇ છે, આ સેગમેન્ટમાં આવકમાં વાર્ષિક સ્તરે 1.7%નો ઘટાડો જ્યારે કંપનીની કુલ આવકમાં બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરનો હિસ્સો 26 ટકા હતો. કમ્યુનિકેશન સેગમેન્ટની આવકમાં પણ 2 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટમાં સૌથી શ્રેષ્ઠ 22 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે એનર્જી અને લાઇફ સાયન્સ સેગમેન્ટમાં આવકમાં 14 ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી.