Gujarat: અમદાવાદના હોમગાર્ડ ડીવિઝનમાં ચાલી રહેલા લાંચના ખેલમા અમદાવાદ એસીબીએ કાર્યવાહી કરીને ઇન્ચાર્જ પ્લાટુન કમાન્ડન્ટ મનોજ સોલંકીને લાંચના છટકામાં આબાદ ઝડપી લીધો હતો. મનોજ સોલંકી પાસેથી લાંચની રકમ પણ જપ્ત કરવામાં આવી હતી. અમદાવાદ હોમગાર્ડ ઇન્ચાર્જ (પ્લાટુન કમાન્ડન્ટ) ડિવિઝન-9, નરોડા તેમજ જી. આઈ. એફ. એસ. સિક્યુરિટી ગાર્ડ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ નિભાવતા ઈન્ચાર્જ પ્લાટુન કમાન્ડન્ટને પી. જી. હોસ્ટેલ વિભાગ-2ના ગેટ પાસે, સિવિલ હોસ્પિટલ ખાતેથી લાંચની રકમ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.
વિગતો મુજબ અમદાવાદ હોમગાર્ડ ડીવિઝન ઇન્ચાર્જ (પ્લાટુન કમાન્ડન્ટ) મનોજ સોલંકીએ નોકરી વહેચણી તથા શિફ્ટ મુજબ પોઇન્ટની ફાળવણી કરવાની હોય છે,
પરંતુ તેઓ તેનો ગેરલાભ ઉઠાવી ફરીયાદી તથા સાક્ષીઓ પાસેથી દર માસે વ્યક્તિ દીઠ નાણા 500 રુપિયાની લાંચની માગણી કરતા હોય છે. આ લાંચ મેળવવા માટે અવાર નવાર પોઇન્ટ ચેક કરી ફરીયાદી તથા સાક્ષીઓ હાજર મળી આવે તો પણ યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી ગમે તે વાંક કાઢી પૈસા આપવા મજબુર કરી દર મહીને 500 રુપિયાની લાંચ માંગતા રહ્યા હતા. આ લાંચનાં કેસનાં ફરીયાદીઓ તથા અન્ય બે હોમગાર્ડ મળી કુલ ત્રણ ના 1500ની લાંચની માગણી કરી હતી. ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા અને એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે બે રાજ્ય સેવક પંચો સાથે રાખી લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે વહેવારની વાતચીત કરી, લાંચના નાણાં 1500 રુપિયા સ્વીકારતી વેળાએ સ્થળ પર જ એસીબીના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા.
આ કામગીરીમાં ટ્રેપીંગ ઓફીસર તરીકે એ.સી.બી. અમદાવાદની ફિલ્ડ-3, ઇન્ટેલિજન્સ વિંગ પીઆઈ ડીબી મહેતા, ફિલ્ડ-3,ઇન્ટેલિજન્સ વિંગના પીઆઈ એસએન બારોટ અને સુપરવિઝન ઓફીસર તરીકે મદદનીશ નિયામક એવી પટેલે કામગીરી બજાવી હતી.