Adani-Ambani Networth: સોમવારે ભારતીય શેરબજારમાં અંબાણીની કંપની રિલાયન્સ અને ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં આવેલા તેજીના તોફાનના કારણે બંને અબજોપતિઓએ એક જ દિવસમાં 11 અબજ ડોલરથી વધુની કમાણી કરી હતી. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર સોમવારે મુકેશ અંબાણીની સંપત્તિ $6.86 બિલિયન વધીને $108 બિલિયન પર પહોંચી ગઈ છે. સોમવારે અદાણીએ તેમની સંપત્તિમાં $4.28 બિલિયનનો ઉમેરો કર્યો હતો. હવે તેમની કુલ સંપત્તિ 95.9 અબજ ડોલર થઈ ગઈ છે.
સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 2,905ની સપાટીએ પહોંચી હતી. આ તેનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. RIL રૂ. 183.95 (6.80%) ના વધારા સાથે રૂ. 2,890.10 પર બંધ રહ્યો હતો. આ વધારા બાદ કંપનીનું માર્કેટ કેપ 19.55 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. બીજી તરફ અદાણી કંપનીઓના શેર પણ ઉછાળા સાથે બંધ થયા હતા. અદાણી એન્ટરપ્રાઇઝ 5.79% ના વધારા સાથે બંધ થયો.
એલોન મસ્કની સંપત્તિમાં પણ વધારો થયો
દરમિયાન, ટેસ્લાના શેરમાં 4.2%ના ઉછાળાને કારણે, એલોન મસ્કની સંપત્તિ પણ સોમવારે $5.49 બિલિયન વધીને $204 બિલિયન પર પહોંચી ગઈ છે. મસ્ક હજુ પણ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. બીજા સ્થાને રહેલા જેફ બેઝોસની સંપત્તિ 2.14 અબજ ડોલર વધીને 186 અબજ ડોલર થઈ ગઈ છે. બર્નાર્ડ આર્નોલ્ટની કુલ સંપત્તિ $183 બિલિયન છે અને તે બ્લૂમબર્ગ ઇન્ડેક્સમાં ત્રીજા ક્રમે છે.
મુકેશ અંબાણી 11મા સ્થાને છે
બિલ ગેટ્સ $145 બિલિયનની નેટવર્થ સાથે ચોથા સ્થાને છે અને Meta CEO માર્ક ઝકરબર્ગ $145 બિલિયનની નેટવર્થ સાથે પાંચમા સ્થાને છે. સ્ટીવ બાલ્મરની સંપત્તિ વધીને $142 બિલિયન થઈ ગઈ છે. લેરી પેજ 137 બિલિયન ડોલર ધરાવે છે અને હવે તે સાતમા સ્થાને છે. સર્ગેઈ બ્રિન $130 બિલિયન સાથે આઠમા સ્થાને છે અને લેરી એલિસન $128 બિલિયન સાથે નવમા સ્થાને છે. વોરેન બફેટ $128 બિલિયન સાથે 10મા સ્થાને છે. મુકેશ અંબાણી $108 બિલિયનની નેટવર્થ સાથે 11મા સ્થાને છે અને અદાણી $95.9 બિલિયન સાથે 14મા ક્રમે છે.