દેશની સૌથી મોટી ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની Hero MotoCorpનું વેચાણ સારી રીતે ચાલી રહ્યું છે. આ સાથે કંપનીનો નફો પણ વધી રહ્યો છે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં રૂ. 1,007.04 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો (PAT) કર્યો છે, જેમાં 47.6 ટકાનો વધારો થયો છે. છેલ્લા ક્વાર્ટરમાં આવકમાં વધારો થવાને કારણે કંપનીનો નફો વધ્યો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 682.28 કરોડ હતો.
સંચાલન આવક વધી
જુલાઈ-સપ્ટેમ્બર 2023ના ત્રિમાસિક ગાળામાં કંપનીની સંકલિત ઓપરેટિંગ આવક વધીને રૂ. 9,533.07 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 9,158.23 કરોડ હતી. આ સમયગાળા દરમિયાન, કંપનીનો કુલ ખર્ચ નજીવો વધીને રૂ. 8,385.5 કરોડ થયો હતો જે એક વર્ષ અગાઉ રૂ. 8,292.25 કરોડ હતો.
હીરો મોટોકોર્પના નિરંજન ગુપ્તાનું નિવેદન
હીરો મોટોકોર્પના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નિરંજન ગુપ્તાએ જણાવ્યું હતું કે તહેવારોની સિઝનમાં મજબૂત માંગને કારણે ગ્રાહકોનો વિશ્વાસ પાછો ફરવાના સંકેતો છે. કંપનીએ આ ક્વાર્ટરમાં કુલ 14.16 લાખ ટુ-વ્હીલરનું વેચાણ કર્યું છે.
હીરો મોટોકોર્પનું વેચાણ ઓક્ટોબરમાં
Hero MotoCorpનું ઑક્ટોબરમાં કુલ વેચાણ 26.5 ટકા વધીને 5,74,930 યુનિટ્સ પર પહોંચ્યું હતું જ્યારે ઑક્ટોબર 2022માં તેનું વેચાણ માત્ર 4,54,582 હતું. તેની મોટરસાઇકલનું વેચાણ 26.2 ટકા વધીને 5,29,341 યુનિટ થયું છે, જ્યારે ઓક્ટોબર 2022માં કંપનીએ માત્ર 4,19,568 બાઇકનું વેચાણ કર્યું હતું.
તે જ સમયે, સ્કૂટરનું વેચાણ 30.2 ટકા વધીને 45,589 યુનિટ થયું છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 35,014 યુનિટ હતું.