IND vs ENG: ભારત રાજકોટ ટેસ્ટમાં મોટી લીડ મેળવવાનો પ્રયાસ કરશે, જેથી ઈંગ્લેન્ડ સામે મોટો લક્ષ્યાંક રાખી શકાય. આ પહેલા શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાં બંને ટીમોએ 1-1 મેચ જીતી છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટ ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. હાલમાં ટીમ ઈન્ડિયા આ મેચમાં ફ્રન્ટ ફૂટ પર હોય તેવું લાગી રહ્યું છે. મતલબ કે ઈંગ્લેન્ડે મેચમાં પુનરાગમન કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે. 5 ટેસ્ટ મેચની સિરીઝની આ ત્રીજી ટેસ્ટ હશે. અહીં જીતનારી ટીમ સિરીઝમાં 2-1ની લીડ મેળવી લેશે. આ પહેલા હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ઈંગ્લેન્ડે જીતી હતી જ્યારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ ભારતે જીતી હતી.
રાજકોટ ટેસ્ટમાં ચોથા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. આજે ફરી એકવાર બધાની નજર શુભમન ગિલ પર રહેશે, જે પોતાની બીજી સદી તરફ આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
ગિલ અને યશસ્વી જયસ્વાલ વચ્ચે 155 રનની ભાગીદારી જોવા મળી હતી. ત્રીજા દિવસે 104 રન બનાવ્યા બાદ યશસ્વી રિટાયર્ડ હર્ટ થયો હતો.
શુભમન ગિલ ત્રીજા દિવસે 65 રન બનાવીને અણનમ રહ્યો હતો. હવે ચોથા દિવસે તેની પાસેથી સદીની અપેક્ષા રાખવામાં આવશે. વિશાખાપટ્ટનમમાં પણ ગિલે બીજી ઇનિંગમાં જ સદી ફટકારી હતી.