ધોનીએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની પ્રથમ મેચમાં 38 બોલમાં 50 રન બનાવ્યા હતા. ત્યારે તેનો સ્ટ્રાઈક રેટ 131.58 હતો. હવે ધોનીએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે 266.67ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.IPLની 15મી સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોની પોતાના જૂના રંગમાં જોવા મળી રહ્યો છે. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની પ્રથમ મેચમાં 38 બોલમાં 50 રન બનાવ્યા હતા. ત્યારે તેનો સ્ટ્રાઈક રેટ 131.58 હતો. હવે ધોનીએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે 266.67ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. ગુરુવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં માહીએ છ બોલમાં 16 રન બનાવ્યા હતા. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા.
ધોની 19મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો. તેણે પોતાની ઇનિંગની શરૂઆત સિક્સરથી કરી હતી. આઈપીએલના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ધોનીએ પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હોય. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે વખત આવું કરી ચુક્યો છે. તેણે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે 2017માં પહેલા જ બોલ પર સિક્સ ફટકારી હતી.
અવેશ ખાને શિવમ દુબેને આઉટ કરીને ચેન્નાઈને પાંચમો ઝટકો આપ્યો હતો. આ પછી ધોની ક્રિઝ પર આવ્યો. ચેન્નાઈ પાસે ઈનિંગમાં 10 બોલ બાકી હતા. ધોનીએ આમાંથી છ બોલનો સામનો કર્યો અને 16 રન બનાવ્યા. તેણે કવરમાં સિક્સ ફટકારી અને પછી થર્ડ મેન તરફ ફોર ફટકારી. આ પછી ઈનિંગના છેલ્લા બોલ પર વધુ એક ચોગ્ગો લાગ્યો હતો.
ધોનીએ પોતાની ઇનિંગ દરમિયાન T20 ક્રિકેટમાં સાત હજાર રન પણ પૂરા કર્યા. આવું કરનાર તે ભારત તરફથી પ્રથમ વિકેટ કીપર બેટ્સમેન છે. તેના પહેલા વિરાટ કોહલી, રોહિત શર્મા, સુરેશ રૈના, શિખર ધવન અને રોબિન ઉથપ્પાએ સાત હજારથી વધુ રન બનાવ્યા છે. કોહલીએ T20 ક્રિકેટમાં ભારત માટે 10326 રન બનાવ્યા છે. તેના પછી રોહિત શર્મા (9936), શિખર ધવન (8818), સુરેશ રૈના (8818) અને રોબિન ઉથપ્પા (7120) છે.
આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવ્યું હતું. લખનઉએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં સાત વિકેટે 210 રન બનાવ્યા હતા. રોબિન ઉથપ્પાએ સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 49, મોઈન અલીએ 35, અંબાતી રાયડુએ 27, રવિન્દ્ર જાડેજાએ 17 અને ધોનીએ 16 રન બનાવ્યા હતા. લખનૌએ 19.3 ઓવરમાં ચાર વિકેટે 211 રન બનાવીને મેચ જીતી લીધી હતી. તેના માટે ક્વિન્ટન ડી કોકે 61, એવિન લુઈસે અણનમ 55, કેએલ રાહુલે 40, આયુષ બદોનીએ અણનમ 19 અને દીપક હુડ્ડાએ 13 રન બનાવ્યા હતા.