T20I
નામીબિયાના જેન નિકોલ લોફ્ટી-ઈટનએ પુરૂષ ક્રિકેટમાં સૌથી ઝડપી T20 ઈન્ટરનેશનલ સદીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. નેપાળમાં ત્રિકોણીય શ્રેણી દરમિયાન, લોફ્ટી-ઈટને માત્ર 33 બોલમાં સિદ્ધિ હાંસલ કરી હતી, જે નેપાળના કુશલ મલ્લના રેકોર્ડ કરતા એક બોલ ઓછા છે. તેનો અંતિમ સ્કોર 36 બોલમાં 101 રન હતો જેમાં 11 ચોગ્ગા અને આઠ છગ્ગા સામેલ હતા. નોંધનીય છે કે, તેણે બાઉન્ડ્રીથી બનાવેલા 92 રન T20 ઈન્ટરનેશનલમાં કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન છે. 22 વર્ષના આ ખેલાડીએ T20 ક્રિકેટમાં પોતાનું નામ બનાવ્યું છે. આખરે કોણ છે આ તોફાન, ચાલો જાણીએ.
T20માં સૌથી ઝડપી સદી ફટકારનાર લોફ્ટી ઈટન કોણ છે?
જાન લોફ્ટી ઈટનનો જન્મ 15 માર્ચ, 2001ના રોજ નામીબિયાના વિન્ડહોકમાં થયો હતો. લોફ્ટીએ 8 ફેબ્રુઆરી 2018ના રોજ સનફોઇલ 3 ડે કપમાં ફર્સ્ટ-ક્લાસમાં પ્રવેશ કર્યો હતો. 2018માં નામિબિયાની અંડર-19 વર્લ્ડ કપ ટીમમાં પણ તેની પસંદગી થઈ હતી.
લોફ્ટીએ 11 ફેબ્રુઆરી 2018ના રોજ લિસ્ટ A ક્રિકેટમાં પણ ડેબ્યુ કર્યું હતું. તેણે 3 એપ્રિલ 2021 ના રોજ નામિબિયા માટે તેની પ્રથમ T20 રમી હતી, જ્યારે તેણે 8 ડિસેમ્બર 2019 ના રોજ તેની ODI કેપ (ડેબ્યૂ) મેળવી હતી.
લોફ્ટી ઈટન નામિબિયા માટે અત્યાર સુધીમાં 36 ODI અને 33 T20 મેચ રમી ચૂક્યો છે. ODIમાં તેણે 6 અડધી સદી સાથે 803 રન બનાવ્યા છે. ટી20માં તેણે પોતાની તોફાની સદીના કારણે 283 રન બનાવ્યા છે.
નામિબિયા 20 રને જીત્યું
નામિબિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં તેણે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 206 રન બનાવ્યા હતા. નિકોલ લોફ્ટી ઉપરાંત મલાન ક્રુગરે પણ અણનમ 59 રનની સારી ઇનિંગ રમી હતી. 207 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેપાળ 18.5 ઓવરમાં 186 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 20 રનથી મેચ હારી ગઈ હતી.