ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મંગળવારે આગામી 10 વર્ષ માટે વ્યસ્ત કાર્યક્રમની જાહેરાત કરી છે. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનને યજમાન જાહેર કરવામાં આવ્યું તે સૌથી મોટી ચર્ચાનો મુદ્દો હતો. પાકિસ્તાન ICC ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે તે ચર્ચાનો મુખ્ય વિષય છે અને રમત મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે તેમના મંતવ્યો શેર કર્યા છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું છે કે શું ‘મેન ઇન બ્લુ’ (ટીમ ઇન્ડિયા) ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં.
વાસ્તવમાં, બંને દેશો વચ્ચેના રાજકીય તણાવને કારણે, ભારત અને પાકિસ્તાન હવે ફક્ત ICC ઇવેન્ટ્સમાં જ ટકરાશે. ભારતે છેલ્લી વખત કોઈપણ શ્રેણી માટે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો તેને ઘણો સમય થઈ ગયો છે. બુધવારે પત્રકારો સાથે વાત કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે ગૃહ મંત્રાલય આ નિર્ણયમાં સામેલ થશે અને ઘણું મૂલ્યાંકન કર્યા પછી જ નિર્ણય લેવામાં આવશે.
અનુરાગ ઠાકુરે કહ્યું, આ નિર્ણયમાં ગૃહ મંત્રાલય સામેલ થશે
અનુરાગ ઠાકુરે કહ્યું, સમય આવશે ત્યારે જોઈશું કે શું કરવું. ગૃહ મંત્રાલય નિર્ણય લેવામાં સામેલ થશે. હાલમાં જ ઘણા દેશોએ સુરક્ષા કારણોસર પાકિસ્તાન જવાનું પાછું ખેંચ્યું છે. તે સમયે ફરીથી સુરક્ષાની સમીક્ષા કરશે અને નિર્ણય લેશે.” તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં બે દાયકાથી વધુ સમય બાદ ક્રિકેટની મોટી સ્પર્ધા પાછી આવશે, જ્યારે દેશ 2025માં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરશે.
ભારતે ત્રણ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું
ICC બોર્ડે મંગળવારે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાનને સોંપી દીધી. તેમજ યુએસ અને વેસ્ટ ઈન્ડિઝને સંયુક્ત રીતે 2024 ટી20 વર્લ્ડ કપના યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ઉત્તર અમેરિકામાં આ પ્રથમ વૈશ્વિક સ્પર્ધા હશે. ઘોષણા અનુસાર, ભારતને આગામી રાઉન્ડમાં ત્રણ ICC ઇવેન્ટની યજમાની કરવાની છે, જેમાં 2026 T20 વર્લ્ડ કપ અને 2031 માં યોજાનાર 50-ઓવરના વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. ભારત શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે મળીને 50 ઓવરના વર્લ્ડ કપની યજમાની કરશે. આ સિવાય 2029ની ચેમ્પિયન્સ ટ્રોફીની પણ ભારત એકલા જ યજમાની કરશે.
‘એવી સંભાવના છે કે પાકિસ્તાનને UAEમાં યજમાની કરવી પડી શકે છે’
2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમ બસ પર થયેલા આતંકવાદી હુમલા બાદ 1996ના વર્લ્ડ કપનું સહ-યજમાન પાકિસ્તાન ઘણી આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરી શક્યું નથી. ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે 2017માં યુકેમાં યોજાઈ હતી અને ટૂર્નામેન્ટ આઠ વર્ષ પછી આઈસીસી કેલેન્ડરમાં પાછી આવશે. ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ તાજેતરમાં જ પાકિસ્તાનના પ્રવાસમાંથી ખસી ગયા હતા અને તે જોવાનું રહે છે કે ટીમો આખરે દેશનો પ્રવાસ કરવાની તૈયારી કરે છે કે કેમ.
2023 થી 2031 દરમિયાન 8 ICC પુરુષોની ટૂર્નામેન્ટ યોજાશે
રમતના સંચાલક મંડળે મંગળવારે કહ્યું કે ICCના 14 સભ્યો 2023 થી 2031 દરમિયાન ICC પુરૂષોની સ્પર્ધાઓનું આયોજન કરશે. ICC એ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, “બે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ, ચાર ICC મેન્સ T20 વર્લ્ડ કપ અને બે ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની માટે 11 પૂર્ણ સભ્યો અને ત્રણ એસોસિયેટ સભ્યોની પસંદગી કરવામાં આવી છે.”