નવી દિલ્હી : ક્રિકેટમાં દરરોજ બેટિંગ અને બોલિંગમાં બનાવેલા રેકોર્ડ વિશે ઘણી વાતો કરવામાં આવે છે, પરંતુ કેટલીક વાર એવું કંઈક બને છે જે ઇતિહાસમાં અલગ રીતે જ રેકોર્ડ હોય છે. આજના દિવસે એટલે કે 27 નવેમ્બર, 2014 ના રોજ, આવી જ ઘટના બની જ્યારે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુઝ મેચ દરમિયાન હેડ બાઉન્સરની ઈજાને કારણે મૃત્યુ પામ્યો. જો કે આવી પહેલી ઘટના નથી.
આ પહેલા પણ વિવિધ દેશોના ખેલાડીઓ બેટિંગ કરતી વખતે અથવા ફિલ્ડિંગ દરમિયાન બોલને કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. જેમાં ભારતના બેટ્સમેન રમણ લાંબા શામેલ છે. ચાર ટેસ્ટ મેચ અને 32 વનડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા રમણ લાંબાને 1998માં ઢાકામાં ક્લબ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે માથામાં બોલ વાગતા તેનું મોત નીપજ્યું હતું.
મેચ પહેલા ફિલિપ હ્યુઝને શ્રદ્ધાંજલિ આપી
આજે મેચ શરૂ થતાં પહેલાં બંને ટીમોના ખેલાડીઓએ ફિલિપ હ્યુઝને શ્રદ્ધાંજલિ આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરનાં લોકો આ ખેલાડીને #63notout હેશટેગથી યાદ કરી રહ્યાં છે.
બીજી તરફ, મેચ શરૂ થતાં પહેલા બંને દેશોના ખેલાડીઓએ ડીન જોન્સના સન્માનમાં એક મિનિટનું મૌન ધારણ અને હાથ પર બ્લેક બેન્ડ બાંધી રમી રહ્યા છે. જોન્સનું સપ્ટેમ્બરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન અવસાન થયું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી 52 ટેસ્ટ અને 164 વનડે રમનાર ભૂતપૂર્વ બેટ્સમેન જોન્સ સત્તાવાર પ્રસારણકર્તાની કમેન્ટરી પેનલના ભાગરૂપે મુંબઇમાં હતા, જયારે હાર્ટ એટેકને કારણે 24 સપ્ટેમ્બરે તેમનું નિધન થઇ ગયું.