નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે. ત્રીજી વનડેમાં 23મો રન બનાવતાં જ વિરાટ કોહલી વનડેના ઇતિહાસમાં સૌથી ઝડપી 12000 રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. વિરાટ કોહલીએ સૌથી ઝડપી 12000 રન પૂરા કરવાની દ્રષ્ટિએ વિશ્વના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે.
વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં ફક્ત 242 ઇનિંગમાં 12000 રન પૂરા કર્યા છે. આ પહેલા સચિન તેંડુલકરે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 12000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. સચિન તેંડુલકરે વન ડે ક્રિકેટમાં 300 ઇનિંગ્સમાં 12000 રન પૂરા કર્યા હતા. વિરાટ કોહલી સચિન તેંડુલકર કરતાં 58 ઇનિંગ્સ જલ્દીથી આ સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો છે.
વિરાટ કોહલી સિવાય વનડે ક્રિકેટમાં ફક્ત પાંચ બેટ્સમેન સચિન તેંડુલકર, જયસૂર્યા, કુમાર સંગાકારા, રિકી પોટીંગ અને મહેલા જયવર્દને 12 હજાર રન બનાવી શક્યા છે.
આ રેકોર્ડ્સ વિરાટ કોહલીના નામે છે
વિરાટ કોહલી હાલમાં વિશ્વના નંબર વન બેટ્સમેન છે. વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 8000 રન (175 ઇનિંગ્સમાં), 9000 રન (194 ઇનિંગ્સમાં), 10,000 રન (205 ઇનિંગ્સમાં) અને 11000 રન (222 ઇનિંગમાં) નો રેકોર્ડ બનાવ્યો છે.
વનડે કારકિર્દી ખુબ જ શાનદાર
વિરાટ કોહલી વન ડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી તેજસ્વી બેટ્સમેન છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 250 મેચમાં 59.29 ની સરેરાશથી 11977 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં 43 સદી અને 59 અડધી સદી ફટકારી છે. વનડે ક્રિકેટમાં ફક્ત સચિન તેંડુલકરે વિરાટ કોહલી કરતા વધારે સદી ફટકારી છે. સચિનના નામે 49 સદી છે અને વિરાટ કોહલી પાસે પણ આ રેકોર્ડ તોડવાની તક છે.