અમરેલી જિલ્લાના 98 રાજુલા જાફરાબાદ ખાંભા મત વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકી ગાંધીનગર ખાતે કોળી સમાજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીની કારોબારી પણ બેઠક મળતા ગુજરાત પ્રદેશ પ્રમુખ અખિલ કોળી સમાજના પ્રમુખ તરીકે હીરા સોલંકીની નિમણૂક કરવામાં આવી હતી. ત્યાર બાદ પ્રથમ વખત મત ક્ષેત્ર રાજુલા વિસ્તારમાં પોહચતા પીપાવાવ ધામ ખાતે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો એકત્ર થયા હતા અને ધારાસભ્ય હીરા સોલંકીનું ભવ્ય સ્વાગત કરીને તેમનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે કોળી સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં કેટલાક સરપંચો, ઉપસરપંચો અને કોળી સમાજના હોદેદારો હાજર રહ્યા હતા. ત્યારબાદ જાફરાબાદ તાલુકાના તપોવન ટેકરી હનુમાન મંદિરના સાનિધ્યમાં કોળી સમાજ દ્વારા ધારાસભ્યનું સન્માન કરવા માટે એક સમારોહ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં પણ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હાજર રહ્યા હતા. સન્માન કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યને સાફો પહેરાવવામાં આવ્યો હતો.
બીજી તરફ ગુજરાત પ્રદેશ કોળી સમાજ પ્રમુખ અને ધારાસભ્ય હીરા સોલંકીએ જાહેર મંચ પરથી સમાજના લોકોને સંબોધિત કરી જણાવ્યું હતું કે, કોળી સમાજ અને દરેક સમાજ માટે જ્યાં જરૂર પડે ત્યાં તેઓ ઊભા રહેશે અને લોકોના કામ કરશે. તેમણે કહ્યું હતું કે, સમાજના લોકોએ મને મોટી જવાબદારી આપી છે એટલે મારી જવાબદારી પણ હવે વધી છે.