કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર સામે નોટો ઉડાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ડીકે શિવકુમારનો એક વીડિયો સામે આવ્યો છે. શિવકુમાર 28 માર્ચે કર્ણાટકના માંડ્યા જિલ્લામાં એક યાત્રા દરમિયાન કલાકારો પર 500 રૂપિયાની નોટ ઉડાડતા જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ મંડ્યા ગ્રામીણ પોલીસે કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ કેસમાં પોલીસે શિવકુમાર વિરુદ્ધ નોન કોગ્નિઝેબલ ગુનો નોંધ્યો છે.
500ની નોટ ઉડાડતા કેમેરામાં ઝડપાયા શિવકુમાર
વાયરલ થઈ રહેલા વીડિયોમાં ડીકે શિવકુમાર ‘પ્રજા ધ્વની યાત્રા’ દરમિયાન ભારે ભીડ વચ્ચે બસ પર સવાર દેખાઈ રહ્યા છે. દરમિયાન, તેઓ પોતાની બાજુથી 500 ની ઘણી નોટો નીચે ફેંકતા કેમેરામાં કેદ થઈ ગયા. પોલીસે જણાવ્યું કે માંડ્યાની સ્થાનિક કોર્ટના નિર્દેશ પર, માંડ્યા ગ્રામીણ પોલીસે KPCC પ્રમુખ ડીકે શિવકુમાર વિરુદ્ધ કેસ નોંધ્યો છે, જેઓ 28 માર્ચના રોજ આયોજિત ‘પ્રજા ધ્વનિ યાત્રા’ દરમિયાન માંડ્યા જિલ્લાના બેવિનાહલ્લી નજીક કલાકારો પર 500 રૂપિયાની નોટ ફેંકતા જોવામાં આવ્યા હતા.
આ મામલે કોંગ્રેસે શું સ્પષ્ટતા આપી?
પોલીસે સોમવારે કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર વિરુદ્ધ ચૂંટણી પ્રચાર દરમિયાન કથિત રીતે રોકડ વહેંચવાના આરોપમાં કેસ નોંધ્યો છે. 28 માર્ચે માંડ્યા તાલુકાના બેવિનાહલ્લી ગામમાં બસમાંથી ભીડ પર નોટો વરસાવવામાં આવી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ બાદ પોલીસે શિવકુમાર વિરુદ્ધ નોન-કોગ્નિઝેબલ ગુનાનો કેસ નોંધ્યો છે. આ મામલો સ્થાનિક કોર્ટ સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો, જેણે પોલીસને કોંગ્રેસના કર્ણાટક એકમના પ્રમુખ સામે એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો હતો. ફરિયાદ દાખલ થયા પછી, માંડ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ કહ્યું કે શિવકુમાર પાર્ટીના પ્રચાર દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા કલાકારોને પૈસા આપતા હતા. જણાવી દઈએ કે કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અને આ માટે દરેક રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે.