ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને ઉડુપી જિલ્લાના કુંડાપુરા મતવિસ્તારના પાંચ વખત ધારાસભ્ય હલદી શ્રીનિવાસ શેટ્ટીએ તેમના વિશ્વાસુઓને સંકેત આપ્યો છે કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી લડશે નહીં. માહિતી અનુસાર, શેટ્ટી ટૂંક સમયમાં તેમની ઉમેદવારી અને રાજકારણમાં તેમના ભાવિ અંગે નિર્ણય લેશે. ઉડુપી જિલ્લાના લોકપ્રિય નેતા શેટ્ટી એ શરત સાથે રાજકીય નિવૃત્તિ અંગે વિચારી રહ્યા છે કે તેમના નજીકના સાથી કિરણ કુમાર કોડગીને કુંડાપુરથી ચૂંટણી લડવા માટે ભાજપની ટિકિટ આપવામાં આવે.
મળતી માહિતી અનુસાર, શેટ્ટી મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં પોતાની રાજકીય કારકિર્દી અંગેના નિર્ણયની જાહેરાત કરે તેવી શક્યતા છે. જો શેટ્ટી ચૂંટણી ન લડવાનું નક્કી કરે છે, તો ભાજપે જિલ્લાના અન્ય મતવિસ્તારોમાં ઉમેદવારો નક્કી કરતી વખતે તેની વ્યૂહરચના ફરીથી બનાવવી પડશે. શેટ્ટી છેલ્લા 25 વર્ષથી કુંડાપુરા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ એક વખત અપક્ષ તરીકે પણ ચૂંટાયા હતા. જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 10 મેના રોજ યોજાવાની છે.
ત્યારે હવે કર્ણાટકમાં ભાજપ માટે જીતનો રસ્તો થોડો મુશ્કેલ હોય તેમ જણાઈ રહ્યું છે. ભાજપના ધારાસભ્ય ગોપાલકૃષ્ણ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય એન વાય ગોપાલકૃષ્ણ સોમવારે કોંગ્રેસમાં જોડાયા છે. કુડલિગી મતવિસ્તારના વર્તમાન ભાજપના ધારાસભ્ય એન વાય ગોપાલકૃષ્ણને પાર્ટીમાં સામેલ કર્યા પછી તેમના ભાષણમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવશે. ગોપાલકૃષ્ણએ શુક્રવારે જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
શિવકુમારે કહ્યું, “ભાજપ અને જેડી(એસ)ના ઘણા નેતાઓ અમારા દરવાજા ખટખટાવી રહ્યા છે. આ એ વાતનો પુરાવો છે કે રાજ્યની જનતાનો અવાજ કોંગ્રેસની તરફેણમાં છે અને અમારો સત્તાનો માર્ગ સાચી દિશામાં છે. અહીં પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસના નેતા ડી શિવકુમારે કહ્યું કે ગોપાલકૃષ્ણએ ભાજપના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે અને હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમણે કહ્યું કે તે જ રીતે જેડી(એસ)ના ધારાસભ્ય કે.એમ. શિવલિંગે ગૌડાએ પણ રાજીનામું આપી દીધું છે અને ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાશે.
છ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ગોપાલકૃષ્ણ અગાઉ કોંગ્રેસમાં હતા. તેઓ ચિત્રદુર્ગ જિલ્લાના મોલાકલમુરુ વિધાનસભા મતવિસ્તારમાંથી ચાર વખત અને બલ્લારી બેઠક પરથી એક વખત ચૂંટાયા હતા. ભાજપમાં જોડાયા બાદ તેઓ કુડલીગીથી ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2018 માં, કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા, તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા અને કુડલીગી બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીત્યા.