અમદાવાદ તા. ૭ : હવેથી રાજયનો જમીનનો તમામ રેકર્ડ ઓનલાઈન થઈ જતાં લોકોને ૭/૧૨ના ઉતારાની નકલ કમ્પ્યુટરાઈઝડ મળી રહેશે. અત્યાર સુધી માત્ર ૨૦૦૪ પછીના જ ૭/૧૨ના ઉતારાની નકલ કમ્પ્યુટરાઈઝડ મળતી હતી. પરંતુ ૧૯૫૧ કે ત્યાર બાદના ૭/૧૨ના ઉતારાની નકલ કમ્પ્યુટરાઈઝડ ન હતી તેના માટે રેકર્ડ ચકાસી વિગતો મેળવવી પડતી હતી. પરંતુ સરકાર દ્વારા અગાઉના પણ રેકર્ડનું સ્કેનિંગ કરી કમ્પ્યુટરાઈઝડ ડેટા તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેથી હવે લોકોને જૂના ૭/૧૨ના ઉતારાની નકલ પણ કમ્પ્યુટર પરથી જ મળી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજયમાં અગાઉ તલાટી દ્વારા ૭/૧૨ના ઉતારાની નકલ આપવામાં આવતી હતી. જોકે, ત્યાર બાદ સરકારે ૨૦૦૪માં ૭/૧૨ના ઉતારાની નકલ કમ્પ્યુટરાઈઝડ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરી હતી. પરંતુ આ વ્યવસ્થા માત્ર ૨૦૦૪ એટલે કે જયારથી કમ્પ્યુટરાઈઝડ થયું ત્યારથી જ આપવામાં આવતી હતી. લોકો રૂ. ૫ની ફી ભરી કમ્પ્યુટરાઈઝડ કોપી મેળવી શકતા હતા. પરંતુ તે પહેલાના ૭/૧૨ના ઉતારાની નકલ કમ્પ્યુટરાઈઝડ ઉપલબ્ધ ન હતી. જેથી રેકર્ડની ચકાસણી કરી તેના આધારે તલાટીના હાથથી લખેલી કોપી મળતી હતી.
અત્રે નોંધનીય છે કે, અગાઉ જયારે લોકો ૨૦૦૪ પહેલાના ૭/૧૨ના ઉતારાની કોપી લેવા માટે જતાં ત્યારે તેમને રેકર્ડ ચકાસી તેના આધારે ખાતરી કર્યા બાદ મળતા હતા અને તેમાં લોકોને ખૂબ જ ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે રૂ. ૫ની સામાન્ય ફી ભરીને તેઓ મહત્વનો ડેટા તરત જ મેળવી શકશે.