મોરબીમાં મકાનની લોનનો હપ્તો ના ભરતા રીકવરી એજન્ટે અપહરણ કરી માર માર્યો
રીકવરી એજન્ટ અને ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
મોરબીમાં લોન રીકવરી એજન્ટની દાદાગીરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મકાનની લોનનો હપ્તો ભરવાનો બાકી રહી જતા રીકવરી એજન્ટ અન્ય ત્રણ અજાણ્યા ઈસમો સાથે આવીને યુવાનને ગાડીમાં બેસાડી જઈને અપહરણ કરી મકાનની લોનનો હપ્તો ના ભરે તો ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી નાસી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના સ્કાય મોલ સામે પી જી કલોકમાં રહેતા સંજયભાઈ ધનજીભાઈ વિડજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ મોરબી જીલ્લા પંચાયતમાં પશુપાલન વિભાગમાં કરાર પર પોતાની ફોર વ્હીલ ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓએ દોઢેક વર્ષ પૂર્વે નવી પીપળી વૃંદાવન સોસાયટીમાં મકાન ખરીદ્યું હતું જે મકાન પર કોહીનુર કોમ્પ્લેક્ષ રવાપર રોડ પર આવેલ હિન્દુજા ફાયનાન્સમાંથી આશરે ૮.૩૦ લાખની લોન લીધી હતી જેનો માસિક હપ્તો રૂ ૧૦,૭૦૦ આવતો હોય અને નિયત સમયમાં તેઓ હપ્તો ભરતા હતા પરંતુ નાણાકીય સગવડ ના થતા ચાલુ મહિનાનો હપ્તો ભરી શક્યા ના હતા
જેથી ગત તા. ૨૦ માર્ચના રોજ રાત્રીના સદા દસેક વાગ્યે તેઓ મહેન્દ્રનગર સાસરીયા ખાતેથી પોતાની કાર જીજે ૦૩ કેપી ૬૩૬૫ લઈને ઘરે આવતા હોય ત્યારે રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં રવાપર રોડ પર આનંદ સ્ટેશનરી પાસે પહોંચત એક સફેદ કલરની ફોર વ્હીલ ગાડી ઉભી રાખી તેમાંથી ઋતુરાજસિંહ રહે મૂળ ધૂળકોટ તા. હળવદ હાલ રહે મોરબી વાળા ફાયનાન્સ કંપનીના રીકવરી એજન્ટ હોય તેમજ તેની સાથે આવેલ ત્રણ અજાણ્યા ઇસમોએ સંજયભાઈ પાસે આવીને ગાડીમાંથી ઉતારી ગાળો બોલી માર મારવા લાગ્યા હતા અને ઋતુરાજસિંહે સંજયને આપડી ગાડીમાં બેસાડી દ્યો કહેતા તેની સાથે આવેલ ત્રણ ઇસમોએ બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા અને ગાડી નવા બસ સ્ટેન્ડ થઈને દલવાડી સર્કલ પાસે લઇ જઈને બાયપાસ રોડ પર ખુલ્લા ગ્રાઉન્ડમાં ગાડી ઉભી રાખી ત્યાં ગાડીમાંથી ઉતારી ગાળો આપી તું કેમ મકાનની લોનના હપ્તા ભરતો નથી કહ્યું હતું
અને ત્રણ અજાણ્યા ઇસમોએ પ્લાસ્ટિક પાઈપ વડે માર મારી સમયસર મકાનની લોનના હપ્તા નહિ ભર તો તારા ટાંટિયા ભાંગી નાખશું કહીને સંજયભાઈની ગાડીની ચાવીનો ઘાર કરી ગાડીમાં બેસી નીકળી ગયા હતા જે લોકોએ માર મારતા સંજયભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા આમ ફરિયાદી મકાનની લોનનો ચાલુ હપ્તો ભરી ના સકતા આરોપી ઋતુરાજસિંહ રહે મૂળ ધૂળકોટ હાલ મોરબી અને ત્રણ અજાણ્યા ઈસમોએ ગાડીમાં બેસાડી લઇ જઈને અપહરણ કરી માર મારી લોનનો હપ્તો ના ભરે તો ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ અપહરણ અને મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે