યુગાન્ડાની સંસદે મંગળવારના રોજ એક બિલ પસાર કર્યું છે જેના અંતર્ગત સમલૈંગિક ઓળખ જાહેર કરવાને ગુનો જાહેર કરી દેવામાં આવ્યો છે. આ બિલ અનુસાર જો કોઈ વ્યક્તિ સમલૈંગિક સંબંધોમાં સંડોવાયેલો જોવા મળે છે તો તેને મૃત્યુ સુધીની સજા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે 30 થી વધુ આફ્રિકન દેશોમાં સમલૈંગિકતા પર પ્રતિબંધ છે અને આ માટે આ દેશોમાં સખત સજાની જોગવાઈ છે. આ બિલ હવે રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની પાસે જશે, જેઓ તેને વીટો કરી શકે છે અથવા કાયદા પર હસ્તાક્ષર કરી શકે છે.
જાણો, કયા લોકોને મળશે મોતની સજા!
યુગાન્ડાના આ નવા બિલ મુજબ દેશમાં સમલૈંગિકતાને અપરાધ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ બિલની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા પર આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજા થઈ શકે છે. આ બિલ અનુસાર, એવા લોકોને મૃત્યુ દંડની સજા આપવામાં આવશે જે લોકો 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ સાથે સમલૈંગિક સંબંધ બનાવવાના દોષિત મળી આવશે અથવા તો પછી એચઆઈવીથી સંક્રમિત હોવા છતાં સમલૈંગિક સંબંધ બનાવે છે. જયારે સમલૈંગિક સંબંધોમાં સંડોવાયેલા અને સમાન લિંગ સાથે લગ્ન કરનારાઓને આજીવન કેદની સજા કરવામાં આવશે.