યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ભારત સરકારની દરખાસ્તના આધારે વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કર્યું છે. ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વર્ષ ૨૦૨૩માં ૨૦ માર્ચથી ૦૩ એપ્રિલ સુધી ઉજવાતા ‘‘પોષણ પખવાડા’’ દરમિયાન મિલેટ (શ્રીધાન્ય)ના પોષક લાભો વિષે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ પોષણ પખવાડાનો શુભારંભ થઈ ચૂક્યો છે. રાજકોટ જિલ્લામાં પોષણ પખવાડિયાની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પોષણ પખવાડાના પ્રથમ દિવસ ગત તા. ૨૦ માર્ચના રોજ જિલ્લા પંચાયતની સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ અને આદિજાતિ વિભાગના સહયોગથી ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ શપથ અને વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન નાથજી, બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ શોભનાબેન લાડાણી અને સોનલબેન વાળા, ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટરશ્રી દીપેશભાઈ પેઢડીયા, ડીસ્ટ્રીકટ પ્રોજેક્ટ આસિસ્ટન્ટશ્રી શ્વેતાબેન રૈયાણી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોષણ શપથ લેવામાં આવ્યા હતા. તેમજ વિવિધ ગામોના આંગણવાડી કેન્દ્રોમાં મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકરો, આંગણવાડી તેડાગર બહેનો, સરપંચો અને ગ્રામજનોએ પોષણયુક્ત આહારના શપથ લીધા હતા. તેમજ વાનગી સ્પર્ધામાં મિલેટસમાંથી બનાવેલી અવનવી વાનગીઓનું નિદર્શન કરાયું હતું. આમ, રાજકોટ જિલ્લામાં પોષણ પખવાડિયાનો ઉત્સાહભેર આરંભ કરાયો હતો.
Tuesday, May 21