કંપનીના માલિક વૈભવભાઈ સુતરિયાએ સેવાકીય અભિગમ દાખવતાં ઉત્પાદિત કરાયેલા પહેલા ૨૫ કિઓસ્ક સેવાકીય સંસ્થાઓને અને સોસાયટીઓને વિનામૂલ્યે આપ્યા
સુરત, 9 મે 2020
સુરત શહેરની મજેન્ટા એડવર્ટાઇઝીંગ પ્રા.લિમિટેડ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લઇ ઓટોમેટિક સેનેટાઇઝર ડિસ્પેન્સ થાય એ પ્રકારનું ઇકોફ્રેન્ડલી સેનેટાઇઝર કિયોસ્ક બનાવવામાં આવ્યું છે. હાથના કોઈપણ જાતના સ્પર્શ વગર ઉપયોગ કરી શકાય અને પગથી ઓપરેટ થઈ શકે તેવા આ કિયોસ્કની પડતર કિંમત રૂ.3000 છે, પરંતુ કંપનીના માલિક વૈભવભાઈ સુતરિયાએ સેવાકીય અભિગમ દાખવતાં ઉત્પાદિત કરાયેલા પહેલા 25 કિઓસ્ક સેવાકીય સંસ્થાઓને અને સોસાયટીઓને વિનામૂલ્યે આપ્યા છે.
આ અનોખા કિઓસ્ક અંગે વૈભવભાઈએ જણાવ્યું કે, ઓટોમેટીક સેનેટાઇઝર ડિવાઈસ પગથી ઓપરેટ થતી હોવાથી કોરોના વાયરસનો ચેપ ફેલાવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. વધુમાં આ ડિવાઇસ વજનમાં એકદમ હળવી હોવાથી તેને એક ફેરવવામાં પણ સરળતા રહે છે. પ્રથમ 25 ડિવાઇસ સેવાકીય સંસ્થાઓને અને સોસાયટીઓને અમે વિનામૂલ્યે અર્પણ કરી છે. હવે ‘નહિ નફો, નહિ નુકસાન’ના ધોરણે પડતર કિંમતમાં જ તેનું વેચાણ કરવામાં આવશે.
કોરોના સામેની લડાઈમાં સમગ્ર વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે. સરકારે વિશેષ કાળજીઓ સાથે જરૂરી ઔદ્યોગિક એકમોને લિમિટેડ સ્ટાફ સાથે શરૂ કરવાની મંજૂરી આપી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની સાથે સાથે ઔદ્યોગિક સંસ્થાઓ પણ નવીનતમ ટેકનોલોજીનો આવિષ્કાર કરી કોરોનાને માત આપવાની કોશિશ કરી રહ્યા છે. અનેક સંશોધનની મથામણ દ્વારા અવનવા ઉપકરણો શોધી રહ્યા છે, આવા સમયે હેન્ડ સેનેટાઇઝર એ દરેક વ્યક્તિની સુરક્ષાનું હથિયાર છે.
સેવાકીય સંસ્થાઓ તથા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ સેનેટાઈઝરનો ઉપયોગ તો કરતા જ હોય છે, પરંતુ તેઓ મોટાભાગે એક જ સેનેટાઈઝર બોટલનો ઉપયોગ કરતા હોય છે. દરેકના સ્પર્શના કારણે બોટલ દ્વારા પણ કોરોનાવાયરસનું સંક્રમણ થવાની શક્યતા રહેલી છે.