નર્મદા જિલ્લામાં 350 જેટલા HIV પોઝીટીવ દર્દીઓની હાલત કફોડી છે કારણ કે ઘણા વર્ષોથી HIV પોઝીટીવ દર્દીઓના નામની ગ્રાન્ટો વપરાઈ જાય છે પણ કોઈની પાછળ કંઈ જ ખર્ચ કરવામાં આવતો નથી. શું તકલીફ છે એવું કોઈ પીડિતોને પૂછવા તૈયાર નથી. આજે 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્ઝ દિન હોવાથી કદાચ આરોગ્ય વિભાગ રાજપીપળામાં રેલી કાઢી સંતોષ વ્યક્ત કરશે કે અમને આ પીડિતોની ખૂબ ચિંતા છે પરંતુ પીડિતોને કોઈ સહયોગ મળતો નથી.
વર્ષો પહેલાનો 350નો આંકડો હજુ ચાલતો આવે છે કોઈ જ વધારો-ઘટાડો નોંધાતો નથી. જેમાંથી કેટલા મૃત્યુ પામ્યા હશે તેની પણ કોઈ તપાસ કરાતી નથી. દર્દીઓની હાલત સુધરે અને સુવિધા વધે એવી માગ ઉઠી છે. જિલ્લામાં ટ્રાવેલિંગ એલાઉન્સ તબીબી સહાય નિયમિત ન મળતા દર્દીઓની મુશ્કેલી વધી રહી છે. સાથે અત્યંત જરૂરી એવું ARC સેન્ટર નથી માટે સમયાંતરે વડોદરા, સુરત તપાસ માટે જવું પડે છે. ગામડાના દર્દીઓ તો જઈ શકતા નથી.
આરોગ્ય વિભાગ તબીબી સહાય ચૂકવવામાં નવા નવા નિયમો બતાવી દર્દીઓને ધક્કા ખવડાવે છે. NGOની કચેરી નથી માટે દર્દીઓ અટવાય છે. આમ નર્મદામાં તંત્ર આ બાબતે તદ્દન બેદરકાર છે ત્યારે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કે કાર્યક્રમોનો કોઈ અર્થ નથી. કેન્દ્ર સરકાર એક તરફ HIV સહિત જીવલેણ રોગો સામે ઝઝૂમતા દર્દીઓને સહાય આપી આર્થિક મદદ કરી રહી છે. એનું એક જ કારણ કે આર્થિક સંકડામણને લીધે દર્દીઓ સારવાર અધુરી છોડી દે તો એમનું અકાળે મૃત્યુ ન થાય. તો બીજી બાજુ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં આવા અસાધ્ય રોગોના દર્દીઓ સરકારી સહાય મેળવવા ધરમ ધક્કા ખાઈ રહ્યા છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ થયેલી તબીબી સહાયમાં દર વર્ષે નવા કાયદા બતાવતા આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓના કારણે દર્દીઓ ધક્કે ચઢ્યા છે. આવી સમસ્યાઓથી ગુજરાતના અન્ય જિલ્લાઓના દર્દીઓ પણ હેરાન થઈ ગયા છે.