બોડકદેવ વિસ્તારની 20 સોસાયટીઓના સભ્યોએ ભેગાં મળીને સ્થાનિક વિસ્તારમાં ફરજ બજાવતા મહાનગરપાલિકાના 200 સફાઇ કામદારોને સેફ્ટી કીટ આપી છે, જેથી સફાઈ કર્મચારીઓમા કોરોનાનો ડર ઘટયો છે. સ્થાનિક ફરિયાદોના નિકાલ માટે બોડકદેવ વિસ્તારની 20 સોસાયટી કે ફલેટના ચેરમેન અને મંત્રીનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે. જેનું નામ બોડકદેવ નાગરિક જાગૃતિ ગ્રુપ રાખવામાં આવ્યું છે. આ ગ્રુપ છેલ્લાં પાંચ વર્ષથી કાર્યરત છે. જેમાં કોઇપણ સોસાયટી કે ફલેટની પાણીથી માંડીને ડ્રેનેજ કે અન્ય પ્રકારની ફરિયાદ હોય તો સાથે મળીને તેનો તંત્રના સહયોગથી નિકાલ લાવવામાં આવે છે.
કોરોના સામે રક્ષણ આપે તેવી સેફ્ટી કીટ આપીએ તો સારું રહે તેવો પ્રસ્તાવ આવ્યો હતો. જેના ભાગરુપે જ દરેક સોસાયટીએ સ્વૈચ્છિક ફાળો આપીને 200 કીટ મંગાવી હતી. આ કીટ ગુરુવારે કોર્પોરેશનના નવા પશ્ચિમ ઝોનના અધિકારીને સુપ્રત કરી હતી. હવે સફાઇ કામદારો એન્ટી કોરોના સેફ્ટી કીટથી સજ્જ થઇને સફાઇ કામ કરવાનું શરુ કરી દીધું છે.