જંગલની આન બાન અને શાન એટલે ત્રાડ પાડતો જંગલનો રાજા સિંહ. જંગલનું મહત્વ અને મમત્વ જો કોઈનાં લીધે જળવાતું હોય તો તે છે કેસરીનંદનની ખુમારી. સિંહને જંગલનો રાજા એટલા માટે જ કહેવાય કે એનાથી જંગલના એક એક પ્રાણી થરથર ધ્રુજવા લાગે. પરંતુ એ જ સિંહ જો હવે ઘાસ ખાવા પર મજબુર થઈ જાય તો એની ખુમારી લાજી એવું કહી શકાય.
હાલ અમરેલીનો એક વીડિયો વાયરલ થયો છે કે જેમાં સિંહની દયનીય સ્થિતિનાં દર્શન થઈ રહ્યાં છે. અમરેલીમાં સિંહનો ઘાસ ખાતો એક વીડિયો વાયરલ થયો છે. ખાંભાના ગીર જંગલનો આ વીડિયો હોવાનું અનુમાન છે. ઘાસ ખાધા બાદ સિંહને ઉલ્ટી પણ થઇ એવા સમાચાર મળી રહ્યાં છે.પોતાની સુજથી પેટની દવા માટે સિંહે ઘાસ ખાધુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે સિંહ પશુઓનું મારણ કરતો હોય તેવા અનેક વીડિયો સામે આવ્યા છે. ત્યારે સિંહ ઘાસ ખાતો હોય તેવો વીડિયો હાલ ખૂબ જ વાયરલ થયો છે.