ગઈકાલે અમદાવાદ ખાતે આદ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક મહત્વપૂર્ણ પ્રેસ વાર્તા કરીને વધુ એક ગેરેંટીની સાથે અનેક વાયદાઓ કર્યા હતાં, જેમાં ખાસ કરીને મહિલાઓની વાત હોય કે ગુજરાત પોલીસના જવાનોને ઓછા પાડતા પગારધોરણ જેવા મુદ્દાઓને લઈને કેજરીવાલ છવાઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે.
રાજ્યમાં આગામી 3 મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, સત્તાધારી ભાજપને ખુરશીથી ખસેડવા હાલ કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી વધુ પ્રબળ રીતે મહેનત કરી રહી છે, અરવિંદ કેજરીવાલ છેલ્લા 1 મહિનાથી દર અઠવાડિયે ગુજરાતમાં કોઈને કોઈ કાર્યક્રમમાં શામેલ થઇ રહ્યા છે, તો સાથે પાર્ટીનું સંગઠન પણ દિવસેને દિવસે વધુ મજબૂત બની રહ્યું છે.
ભાજપ છેલ્લા 27 વર્ષોથી ગુજરાતમાં સરકાર ચલાવે છે, સ્વાભાવિકપણે આટલા લાંબા ગાળાની સત્તા પ્રજા સામે અનેક મુદ્દાઓની મુશ્કેલીઓ ઉભી થાય. આવા સમયે ગુજરાત કોંગ્રેસ પોતાનામાં જ ગૂંચવાયેલી હોય તેવું દેખાઈ રહ્યું છે, અને એટલે જ તેનો સીધો લાભ નવી આવતી આમ આદમી પાર્ટી પ્રજાના મુદ્દાઓને પોતાના પક્ષમાં લઈને તીવ્રતાથી મેદાને ઉતરી હોય તેવું દેખાય છે.
રાજ્યમાં ભ્રષ્ટાચાર, અમુક સરકારી નીતિઓથી પ્રજા અત્યંત નિરાશ છે તે સ્પષ્ટ છે, જેમાં ખાસ કરીને ગુજરાત પોલીસના જવાનોને ગ્રેડ પે કે પછી કામગીરીના પ્રમાણમાં ઓછા પગારધોરણ સહિતની અનેક સમસ્યાઓ છેલ્લા કેટલાય સમયથી છે, જેના માટે ગયા વર્ષે રાજ્યના પોલીસ જવાનોએ સરકાર સામે આંદોલનના મંડાણ પણ માંડેલા, પરંતુ જ્યારે હવે એક રાજકીય પાર્ટીએ આ મુદ્દો હાથોહાથ લઈ લીધો છે ત્યારે સરકાર પણ ચિંતિત હશે તે ચોક્કસ છે.
આમ આદમી પાર્ટીએ વતી અરવિંદ કેજરીવાલે આ ઉપરાંત ગુજરાતની મહિલાઓ માટે દર મહિને 1 હજાર રૂપિયા સન્માન રાશિ આપવાની જાહેરાત કરી છે, જેને પણ ખૂબ બહોળો પ્રતિસાદ મળ્યો છે.
સામા પક્ષે સત્તાધારી ભાજપે પણ આ સમયને ભાપી લીધો છે, ભાજપના નેતાઓ મુખ્યરિતે કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓ અને નીતિઓ સામે કટાક્ષ કરીને પ્રજાને સાવધ રહેવા માટેના નિવેદનો આપતા રહ્યા છે.
પછી તેમાં સ્થાનિક ભાજપ નેતાઓ હોય કે રાષ્ટ્રીય નેતાઓ સહિત દરેક કોઈને કોઈ રીતે આમ આદમી પાર્ટીને પોતાના નિવેદનોમાં ઉલ્લેખિત કરી રહ્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમ હજુ આગામી 3 થી 4 મહિનાઓ સુધી યથાસ્થિતિ રહેશે તેટલું તો ચોક્કસ છે, ત્યારે જોવાનું રહેશે કે સત્તા પર કાયમ બેસેલી ભાજપ આમ આદમી પાર્ટીના મજબૂત બનતા સંગઠન અને રાજ્યના એકપછી એક જિલ્લામાં મજબૂતી પકડતી આપ પાર્ટીને કઈ રીતે રોકી શકે છે.