રાજ્યમાં તા. 25 ડિસેમ્બરથી સુશાસન સપ્તાહ યોજાનાર છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા. 31ના રાજકોટની મુલાકાત લેશે. મુખ્યમંત્રી બન્યા બાદ તેમની રાજકોટમાં આ પ્રથમ મુલાકાત છે. જેમાં ધર્મેન્દ્ર કોલેજ ખાતે મુખ્ય કાર્યક્રમ ઉપરાંત એક ભવ્ય રોડ-શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ તકે ભાજપ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા સીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. હાલ આ કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. અને જિલ્લા કલેક્ટર સહિતના તંત્રો એલર્ટ થઇ ગયાં છે. મહત્વનું એ છે કે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિજય રુપાણીની મુલાકાત પર સૌની નજર હશે. સોગંધવિધિ બાદ બન્ને સાથે જોવા મળ્યા નથી.
ગાંધીનગરથી ટોચના સુત્રોના કહેવા મુજબ મુખ્યમંત્રી સવારે 10 વાગે રાજકોટ આવશે. અને પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા હોવાથી એરપોર્ટથી લઇ ધર્મેન્દ્ર કોલેજનાં કાર્યક્રમ સ્થળ સુધી તેઓ ત્રણ કિલોમીટરનો રોડ શો યોજશે. જેમાં વિવિધ સંસ્થાઓને જોડવામાં આવશે તથા ભાજપ દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવશે. રોડ શો બાદ ધર્મેન્દ્ર કોલેજ ખાતે તેમનો એક મુખ્ય કાર્યક્રમ યોજાશે.
ધર્મેન્દ્ર કોલેજ ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈનાં જન્મદિને સુસાશન સપ્તાહ અંતર્ગત રાજકોટમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેનું જીવંત પ્રસારણ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી જીતુ વાઘાણી તથા ગ્રામ્ય વિકાસ બાબતોના મંત્રી બ્રિજેશ મેરજા પણ હાજર રહેશે. આ કાર્યક્રમ અંદાજે 2 થી 3 કલાકનો હશે. અને બાદમાં સરકીટ હાઉસ ખાતે વિવિધ સંગઠનો તેઓનું સ્વાગત કરશે. સાથે પત્રકાર પરિષદ પણ યોજાય તેવી શક્યતા છે.