નવી દિલ્હી : ચીન સમર્થિત એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકે (AIIB) કોરોના સંકટને પહોંચી વળવા માટે ભારતને 75 કરોડ ડોલર (લગભગ 5720 કરોડ)ની લોનને મંજૂરી આપી છે.
આ પ્રોજેક્ટને એશિયન ડેવલોપમેન્ટ બેંક (એડીબી) દ્વારા સહ-નાણાં આપવામાં આવે છે. એઆઈઆઈબીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ પ્રોજેક્ટનું લક્ષ્ય ઉદ્યોગપતિઓ માટે આર્થિક સહાય વધારવી, જરૂરીયાતમંદો માટે સામાજિક સુરક્ષા વધારવી અને દેશની આરોગ્યસંભાળ પ્રણાલીનો વિસ્તાર કરવો છે.
નોંધપાત્ર વાત એ છે કે, મે મહિનામાં પણ એઆઈઆઈબીએ ભારત માટે 50 કરોડ ડોલરની લોનને મંજૂરી આપી હતી. એઆઈઆઈબીએ જાહેરાત કરી છે કે તે કોરોના વાયરસ ચેપ સામે લડવા માટે જાહેર અને ખાનગી ક્ષેત્રને 10 અબજ ડોલર સુધીનું ભંડોળ આપશે. એઆઈઆઈબીએ ભારતને અત્યાર સુધીમાં કુલ 6.6 અબજ ડોલરની લોન આપી છે.
એઆઈઆઈબીએ શું કહ્યું?
એઆઈઆઈબીના વાઇસ પ્રેસિડેન્ટ ડીજે પાંડિયનએ જણાવ્યું હતું કે “વિશ્વના ઘણા ઓછા અથવા મધ્યમ આવકવાળા દેશો હજી પણ આ કટોકટી સાથે કામ કરવાના પ્રારંભિક તબક્કામાં છે અને તેઓ આ રોગચાળાની અસર અનુભવવા લાગ્યા છે.” તેમણે કહ્યું કે આ સહાયથી સુનિશ્ચિત કરવામાં આવશે કે ભારત આવી આર્થિક પ્રવૃત્તિઓ કરી શકે જેથી ઉત્પાદક ક્ષમતાને લાંબા ગાળાનું નુકસાન ન થાય.
એઆઈઆઈબી સામાન્ય રીતે આવી લોન આપતી નથી, પરંતુ તે તેના સભ્ય દેશોને વર્લ્ડ બેંક અથવા એડીબી સાથે સહ-ફાઇનાન્સિંગમાં કોરોના સાથેના વ્યવહારમાં મદદ કરવા માટે અસાધારણ પગલા લઈ રહી છે.