આપ નેતા ઇસુદાન ગઢવીનો લીકર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને પગલે ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે પોતાનાં રિપોર્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનું જણાવીને ભાજપ અધ્યક્ષ પાટીલે રિપોર્ટ બદલાવ્યો હોવાનો વળતો આક્ષેપ કર્યો છે. સાથે પોતે ક્યારેય દારૂ નહીં પીધો હોવાનાં માતા મોગલનાં સોગંધ ખાઈને આ માટે પોતાનો લાઈ ડિટેક્ટર કે બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી.
ઈસુદાનનાં જણાવ્યા મુજબ, બ્રેથ એનેલાઈઝરમાં પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મને પકડ્યો ત્યારે કોઈ ગંધ આવતી નહોતી. મારા પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો. હું મોગલ અને સોનલ માને માનું છું અને સોગંદ ખાઈને કહું છું કે મેં ક્યારેય દારૂ પીધો જ નથી. રિપોર્ટમાં મને શંકા છે, મારો લાઇ ડિટેક્ટ ટેસ્ટ કરવામાં આવે. 13 દિવસના જેલવાસ બાદ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે મારો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સુપર સીએમ સીઆર પાટીલે રિપોર્ટ બદલાવ્યો હોઈ શકે છે. કારણ કે, ભાજપની સરકાર જ છે.
વધુમાં ઇસુદાને કહ્યું હતું કે મેં પ્રાઇવેટ લેબમાં 3 દિવસે ટેસ્ટ માટે કહ્યું, પણ તેમણે કહ્યું, વાંધો નહિ, સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા, ત્યાં ચેક કર્યું અને વાસ આવતી હતી કે કેમ એ તપાસ કરી, પણ તેમાં વાસ ન આવી. પોલીસ લોકઅપમાં લઈ ગઈ, ત્યાં બ્રેથ એનેલાઇઝરથી ચેક કર્યું હતું તો મને કહ્યું કે વાંધો નહીં, ટેસ્ટ નેગેટિવ છે. વિરોધ કરવો દરેકનો અધિકાર છે. સામાન્ય રીતે વિરોધમાં ડિટેઇન કરી છોડી દેવામાં આવે છે, પરંતુ આ ઘટનામાં ઘણી કલમો લગાવી, તેમણે જેટલો દમન ગુજાર્યો અમે સહન કર્યો. ભાજપે નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે.
ઇસુદાને વધુમાં કહ્યું હતું કે હું મોગલ અને સોનલ માને માનું છું અને સોગંદ ખાઈને કહું છું કે હું દારૂ પીતો નથી. વીડિયો રેકોર્ડિંગ સાથે લાઈવ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવે, બ્રેન મેપિંગ ટેસ્ટ કરાવાય, જ્યાં ભાજપની સરકાર ન હોય ત્યાં ટેસ્ટ કરવામાં આવે. મારી માગ છે કે મારું જે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું એને સાચવી રાખવામાં આવે. પ્રજા માટે લડવું ગુનો છે ? છેડતી અને દારૂનો આક્ષેપ કર્યો તો હવે ડ્રગ્સનો આરોપ મૂકશો? સુપ્રીમકોર્ટના વકીલ ઋષિકેશ કુમારે જણાવ્યું હતું કે ઇસુદાન ગઢવીનો દારૂ પીવાનો કેસ જામીનલાયક છે. બધા આરોપ ખોટા છે. આમનો ટેસ્ટ બીજા રાજ્યમાં કરવામાં આવે અને બ્લડ પણ ફ્રીઝ કરવામાં આવે. પોલીસે એક એક આરોપ સાબિત કરવા પડશે. જો સાબિત ન કરી શકે તો અમે ઇસુદાનભાઈને સલાહ આપીશું કે બદનક્ષીનો દાવો કરો. અમે દિલ્હીની સમગ્ર લીગલ ટીમ તેમની સાથે છીએ.