નવી દિલ્હી : શનિવારે (21 ડિસેમ્બરે) સતત ત્રીજા દિવસે ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ડીઝલની કિંમતમાં લિટર દીઠ 20-21 પૈસાનો વધારો કર્યો છે. આ વધારા પછી દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં ડીઝલનો ભાવ ક્રમશ 66.54 રૂપિયા, 68.95 રૂપિયા, 69.80 રૂપિયા અને 70.34 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.
ડીઝલ ત્રણ દિવસમાં 50 પૈસા મોંઘુ થયું
સતત ત્રણ દિવસના વધારા પછી દિલ્હી અને કોલકાતામાં ડીઝલ પ્રતિ લીટર 50 પૈસા મોંઘુ થઈ ગયું છે, જ્યારે મુંબઇ અને ચેન્નાઈમાં આ ત્રણ દિવસોમાં ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 53 પૈસાનો વધારો થયો છે. અગાઉ સપ્તાહના છેલ્લા કારોબારના દિવસે એટલે કે શુક્રવારે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 15-16 પૈસાનો વધારો થયો હતો. તમને જણાવી દઈએ કે ગુરુવારે 9 દિવસની સ્થિરતા પછી પહેલીવાર ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.
મોંઘવારી વધવાનો ડર
ડીઝલની કિંમતમાં થયેલા વધારાને કારણે આગામી દિવસોમાં ફુગાવો વધવાની ધારણા છે, હકીકતમાં ડીઝલની કિંમતમાં વધારાને કારણે ભાડામાં વધારો થવાની સંભાવના છે. જો આવું થાય, તો ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં વધારો થશે, ખાસ કરીને આવશ્યક ચીજવસ્તુઓની મોંઘવારી વધશે.