ટીવી ઉપર તમે રામાયણ કે કૃષ્ણલીલા જોઈ હશે, તો તમને ધ્યાન હશે કે તેમાં બતાવવામાં આવતા દાનવોનાં લાંબા-લાંબા દાંત હોય છે. ગયા વર્ષે જર્મનીમાં એવું જ કંઈક જોવા મળ્યુ હતુ. અહીં એક શખ્સનાં મોઢામાં 1.46 ઈંચ એટલેકે 3.7 સેન્ટિમીટર લાંબો દાંત નીકળ્યો હતો. આ દુનિયામાં સૌથી લાંબો માનવીય દાંત છે. જેનું નામ મંગળવારે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં દાખલ કરવામાં આવ્યુ છે.
આ દાંત મિઝો વોડોપિઝાના મોઢામાંથી નીકળ્યો હતો. જે મૂળ રૂપથી ક્રોએશિયાનો રહેવાસી હતો. પરંતુ પાછલાં થોડા વર્ષોથી જર્મનીના મેઝ શહેરમાં રહેતો હતો. ડૉક્ટર મેક્સ લુકાસ મુજબ, દાંતમાં તેજ દર્દની ફરિયાદ લઈને મિઝો ડૉક્ટરની પાસે પહોંચ્યો હતો. જ્યારે ડોક્ટરોએ તપાસ કરી તો એટલો મોટો દાંત જોઈને તેઓ પણ ચોંકી ગયા હતા.
ડૉક્ટર મેક્સે ગયા વર્ષે જ મિઝોના દાંતને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ સામેલ કરવા માટે આવેદન આપ્યુ હતુ. જેને હવે જઈને મંજૂરી મળી છે. આ સપ્તાહે તેને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સનું સર્ટિફિકેટ આપવામાં આવશે.
આની પહેલાં દુનિયામાં સોથી મોટા દાંતનો વર્લ્ડ રેકોર્ડ ગુજરાતનાં ઉર્વિલ પટેલનાં નામે હતો. ફેબ્રુઆરી 2017માં ઉર્વિલ પટેલનાં મોઢામાંથી ડોક્ટરોએ 1.44 ઇંચ એટલેકે, 3.66 સેન્ટીમીટરનો દાંત કાઢ્યો હતો.