ઇઝરાયલના પુરાતત્વ વિભાગે તેલ અવીવમાં 5 હજાર વર્ષ જૂનુ શહેર શોધી કાઢ્યું હોવાની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે, આ વિસ્તાર કાંસ્ય યુગનો સૌથી મોટો શહેરી વિસ્તાર હોય શકે છે. આ શહેર આજના ન્યૂયોર્ક જેવું હોય શકે છે. ઇઝરાયલના પુરાતત્વ વિભાગે ફેસબુક પર કહ્યું છે કે, ખોદકામ દરમિયાન મળી આવેલુ શહેર તેલ અવીવથી 50 કિલોમીટર દૂર છે. પુરાતત્વવિદોનું કહેવું છે કે આ એક મહાનગર અને સુવ્યવસ્થિત રીતે વિકસાવવામાં આવેલું શહેર હોય શકે છે. જે આશરે 160 એકરમાં ફેલાયું છે.
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ શહેરમાં આશરે 6 હજાર મકાન હોય શકે છે. પુરાતત્વ વિભાગના જણાવ્યા અનુસાર ખોદકામ દરમિયાન સ્થળ પરથી રહેણાક અને સાર્વજનિક મકાન, રસ્તાઓ, કિલ્લાબંધીના અવશેષ મળી આવ્યા છે. અન્ય જે ચીજ વસ્તુઓ મળી છે તેમાં મંદિર, મૂર્તિઓ, માટીના વાસણોના ટુકડાઓ અને સળગેલા જાનવરોના હાડકા મળી આવ્યા છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, અહીં જાનવરોની બલિ આપવામાં આવતી હશે.
ઇઝરાયલનાં પુરાતત્વવિદોએ આ વાતની શક્યતા દર્શાવી છે કે શહેરના રહેવાસીઓના અન્ય રાજ્યો સાથે ખેતી અને વ્યાપારિક સંબંધો પણ હશે. ખોદકામ દરમિયાન મળેલા 5 હજાર વર્ષ જૂના ખંડેરો શહેરીકરણ તરફ ઇશારો કરે છે. આ શોધથી એક વાત એ પણ સામે આવી છે કે, તે વખતે પણ ગામડાઓનું શહેરીકરણ થઇ રહ્યું હતું. જે દક્ષિણ ભાગમાં થઇ રહ્યું હતું. આજ ભાગ ઇઝરાયલ, પેલેસ્ટાઇન, જોર્ડન અને સીરિયા છે. કાસ્ય યુગમાં જ ભારતમાં સિંઘુ અને ઇરાકમાં મેસોપોટેમિયા સભ્યતાનો વિકાસ થયો હતો.