નવી દિલ્હીઃ ગુજરાતીઓ વેપાર ધંધા માટે હંમેશા આગળ પડતા હોય છે. ગુજરાતી ઉદ્યોગપતિ એવા ગૌતમ અદાણીએ પણ કમાલ કરી બતાવી છે. ગૌતમ અદાણી એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ચીની ઉદ્યોગકાર ઝાંગ શાનશાનને પછડાટ આપી અદાણીએ આ સ્થાન હાંસલ કર્યું છે. વિકાસના મામલે આટલેથી ન અટકતા તેઓ વૈશ્વિક ધનકુબેરોની યાદીમાં પણ 14 માં સ્થાને છે. આ યાદીમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી13માં સ્થાને બિરાજમાન છે.
રોકાણકારોએ ગૌતમ અદાણીના બિઝનેસમાં રસ લીધો છે જેના કારણે તેમની સંપત્તિમાં વધારો થયો છે. ગૌતમ અદાણીના પોર્ટથી લઈને પાવર પ્લાન્ટ્સ સુધીના વ્યવસાયમાં છેલ્લા કેટલાક મહિનામાં રોકાણકારોએ ઘણું રોકાણ કર્યું છે, જેથી તેમના શેરમાં પણ તેજી જોવા મળી રહી છે. આ વૃદ્ધિથી અદાણીની સંપત્તિમાં પણ વધારો થયો છે.
બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ અનુસાર અદાણીની કુલ સંપત્તિ 66.5 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. આ વર્ષે અદાણીની સંપત્તિમાં 32.8 બિલિયન ડોલરનો વધારો થયો છે. બીજી તરફ ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $ 76.5 અબજ હોવાનો અંદાજ છે. ચીની કારોબારી શાંશાંની કુલ સંપત્તિનું મૂલ્યાંકન 63.6 અબજ ડોલર થાય છે.