જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી કાતિલ ઠંડી પડી રહે છે. તેમાંય ખાસ કરીને પ્રતિ કલાકના 35થી 40 કિમીની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હોવાથી જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. અને શહેરીજનો તેમજ પશુ-પક્ષીઓ ઠુંઠવાઇ રહયા છે. ઠંડીમાં હજુ વધારો થાય તેવી શક્યતાઓ દર્શાવાઈ છે. જામનગર જિલ્લા કલેકટર કચેરીના જણાવાયા અનુસાર જામનગર શહેરમાં આજે સવારે આઠ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકા રહ્યું હતું જેના કારણે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. ઉપરાંત પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 30 કિ.મી.ની ઝડપે રહી હતી. જે વધીને 35 કિમી સુધી પહોંચી હતી. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનો પારો 10 ડિગ્રીથી 11 ડિગ્રીની વચ્ચે રહ્યો છે જેના કારણે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સાથોસાથ પ્રતિ કલાકના 35થી 40 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે ધ્રુજારી અનુભવાઈ રહી છે. ગઈકાલથી ભેજના પ્રમાણમાં પણ વધારો થયો છે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસ ની ચાદર છવાઇ જાય છે. જેના કારણે માર્ગો પણ ભીંજાયા છે. ભેજના કારણે સૂર્યનારાયણના દર્શન પણ મોડા થાય છે. હવામાન ખાતા દ્વારા ઠંડીનો દોર હજુ યથાવત્ રહે તેવી આગાહી કરવામાં આવી છે.
Sunday, May 19