ભારતીય બેડમિન્ટન ટીમને મિક્સ્ડ ટીમ ઈવેન્ટની ફાઇનલમાં મલેશિયાના હાથે 3-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતીય બેડમિન્ટન ટીમનું સતત બીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવાનું સપનું અધૂરું રહી ગયું. ભારતને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો. ભારતીય બેડમિન્ટન ટીમે 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ ફાઇનલમાં ભારતે મલેશિયાને હરાવ્યું હતું.
પાંચમા દિવસે (મંગળવારે) ભારત માટે આ ચોથો મેડલ છે. આ પહેલા મંગળવારે ભારતીય મહિલા લૉન બોલ ટીમ અને પુરુષોની ટેબલ ટેનિસ ટીમે ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ વેઈટલિફ્ટર વિકાસે સિલ્વર મેડલ જીત્યો હતો. એકંદરે, 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ 13મો મેડલ હતો.
બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના મેડલ વિજેતાઓ
5 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, વિમેન્સ લૉન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ.
5 સિલ્વર: સંકેત સરગરી, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ.
3 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિન્દર કૌર.
પ્રથમ મેચમાં, મેન્સ ડબલ્સમાં, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીને ટેંગ ફોંગ એરોન ચિયા અને વુયી યીક સોહની જોડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મલેશિયાની જોડીએ પ્રથમ ગેમ 21-18 અને બીજી ગેમ 21-15થી જીતી હતી. આ રીતે મલેશિયાની ટીમ 1-0થી આગળ થઈ ગઈ હતી.
આ પછી, બીજી મેચમાં પીવી સિંધુએ મલેશિયાની જિન વેઈ ગોહને હરાવીને સ્કોર 1-1થી બરાબર કર્યો. પ્રથમ ગેમ સિંધુએ 22-20થી જીતી હતી. પ્રથમ ગેમમાં બંને વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. એક સમયે સ્કોર 18-18 અને પછી 20-20 હતો. ત્યારબાદ સિંધુએ સતત બે પોઈન્ટ જીતીને 22-20થી જીત નોંધાવી હતી. બીજી ગેમમાં સિંધુએ 21-17થી ચુસ્ત મેચ જીતી લીધી હતી.
કિદામ્બી શ્રીકાંત એંગ તજે યોંગ સામે ત્રીજી મેચ હારી ગયો. ચુસ્ત મુકાબલામાં શ્રીકાંત પ્રથમ ગેમ 21-19થી હારી ગયો હતો. આ પછી બીજી ગેમ શ્રીકાંતે 21-6થી જીતી લીધી હતી. ત્રીજી અને નિર્ણાયક ગેમમાં એંગ તજે યોંગે શ્રીકાંતને 21-16થી હરાવ્યો હતો. આ રીતે ભારતીય ટીમ 2-1થી પાછળ રહી ગઈ હતી. આ પછી ભારતે ગોલ્ડ માટે બાકીની બે મેચ જીતવી હતી.
ચોથી મેચમાં મહિલા ડબલ્સનો મુકાબલો થયો હતો. જેમાં મલેશિયાના કુંગ લી પીરલી તાન અને મુરલીધરન થિનાહે ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદને 21-18, 21-17થી હરાવ્યાં. આ રીતે મલેશિયાએ ભારતને 3-1થી હરાવીને ગોલ્ડ કબજે કર્યો હતો જ્યારે ભારતને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો.