આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલશે. ચૂંટણી પહેલાં ભાજપે 182 સીટ જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ભાજપ દ્વારા આ લક્ષ્યની પ્રાપ્તિ માટે પેજ પ્રમુખથી લઈ અનેકવિધ સંગઠનલક્ષી કામગરી કરવામાં આવી રહી છે. ચૂંટણી આડે વર્ષ બાકી છે ત્યારે ભાજપે ગુજરાતમાં સાગમટે નેતૃત્વ પરિવર્તન કરીને સૌને ચોંકી દીધા છે અને આખીય કેબિનેટને પણ બદલી નાંખવામાં આવી રહી છે.
હવે ભૂપેન્દ્ર પટેલ સરકારને ત્રણ મહિનાનો સમયગાળો વીતી ગયો છે. 13મી સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજેલા ભૂપેન્દ્ર પટેલ સરકારની કામગીરીનાં હવે લેખા-જોખાં થવા માંડશે. રુપાણીની વિદાય બાદ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની કામગીરી કેવી છે તેના પર કેન્દ્રીય નેતૃત્વની નજર છે. તાજેતરમાં સુરતના દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમમાં વર્યુઅલી રીતે જોડાયેલા ગૃહ મંત્રી અમિત શાહે ભૂપેન્દ્ર પટેલને મહેનતુ મુખ્યમંત્રી ગણાવ્યા હતા અને ડિસેમ્બરમાં સુરત આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
વિતેલા ત્રણ મહિના દરમિયાન પટેલ સરકારે ઉડીને આંખે વળગે તેવો ક્યો નિર્ણય કર્યો છે, તેની ચર્ચા થઈ રહી છે. ચૂંટણીમાં ભાજપ વિકાસ ઉપરાંત વડાપ્રધાન મોદીના મોડલ સાથે ઝંપલાવશે ત્યારે રાજ્ય સરકારની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે.