નવી દિલ્હી : ભારતની 14 વર્ષની શૂટર નામ્યા કપૂરે સોમવારે ISSF જુનિયર વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. નમ્યાએ 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં આ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતના સ્ટાર શૂટર મનુ ભાકરને પાછળ છોડી આ ગોલ્ડ કબજે કર્યું હતું.
નામ્યા કપૂરે ગઈકાલે ISSF જુનિયર વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં રમાયેલી 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં 36 પોઈન્ટના સ્કોર સાથે ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઈનલમાં ફ્રાન્સની કેમિલી જેડ્રેઝેવસ્કીએ 33 પોઈન્ટ સાથે સિલ્વર અને 19 વર્ષીય મનુ ભાકરે 31 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
શૂટ ઓફમાં ભાકરના હાથમાંથી સિલ્વર મેડલ ગયું
પેરુની રાજધાની લિમામાં યોજાયેલી આ ISSF જુનિયર વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મનુ ભાકરે અત્યાર સુધીમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. ગઈકાલે 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ભાકરને સિલ્વર જીતવાની તક મળી હતી. પરંતુ તે ફ્રાન્સની કેમિલી જાર્જેવસ્કી સાથે સિલ્વર મેડલ શૂટ-ઓફ મેચ ચૂકી ગઈ. અન્ય ભારતીય શૂટર રિધમ સાંગવાન આ ઇવેન્ટમાં ચોથા સ્થાને રહ્યો હતો.
આ ઇવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડમાં મનુ ભાકરે 587 પોઇન્ટ સાથે ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું, જ્યારે સાંગવાન 586 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહ્યો. જ્યારે કપૂરે છઠ્ઠા સ્થાને 580 પોઈન્ટ સાથે ફાઇનલમાં જગ્યા બનાવી.
મેડલ ટેલીમાં ભારત ટોચ પર
ભારત હાલમાં ISSF જુનિયર વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપની મેડલ ટેલીમાં ટોચ પર છે. ભારતે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં સાત ગોલ્ડ, છ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ટોક્યો ઓલિમ્પિક્સ પછી આ પહેલી ઘટના છે. 32 દેશોના 370 ખેલાડીઓ અહીં ભાગ લઈ રહ્યા છે.