ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તાજેતરમાં બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ટીમ ભલે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હોય, પરંતુ તેણે સિલ્વર મેડલ જીતીને ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટમાં તેનો પહેલો મેડલ અપાવ્યો. ભારતીય ટીમને સિલ્વર મેડલ જીતાડવામાં ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરનું પણ મહત્વનું યોગદાન હતું. રેણુકા ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર હતી. તેણે પાંચ મેચમાં 5.47ના પ્રભાવશાળી ઇકોનોમી રેટથી 11 વિકેટ લીધી હતી. જેમાં ઓસ્ટ્રેલિયા અને બાર્બાડોસ સામેની મેચમાં ચાર-ચાર વિકેટ લેવાની સિદ્ધિ પણ સામેલ છે. T20I માં ચાર વિકેટ લેનારી ઝુલન ગોસ્વામી પછી તે બીજી ભારતીય ઝડપી બોલર બની.
રેણુકાના પ્રદર્શને 13 ઓગસ્ટના રોજ કોમનવેલ્થ ગેમ્સની ટુકડીના સન્માન સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેણીની પ્રશંસા કરવા મજબૂર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે રેણુકા સિંહનું પ્રદર્શન ભારતની વધુને વધુ યુવા છોકરીઓને રમતગમતને કારકિર્દી તરીકે લેવા માટે પ્રોત્સાહિત કરશે.
પીએમ મોદીએ કહ્યું, “તમામ ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, પરંતુ હજુ પણ રેણુકાના સ્વિંગને કોઈએ તોડ્યું નથી. દિગ્ગજોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવું એ કોઈ ઓછી સિદ્ધિ નથી. તેના ચહેરા પર ભલે શિમલાની શાંતિ હોય, પહાડોનું નિર્દોષ સ્મિત હોય, પરંતુ તેની આક્રમકતા મોટા બેટ્સમેનોની હિંમતને નષ્ટ કરી દે છે. આ પ્રદર્શન દૂરના વિસ્તારોમાં પણ દીકરીઓને ચોક્કસ પ્રેરણા અને પ્રોત્સાહિત કરશે.