નવી દિલ્હી : કેન્દ્ર સરકારે 41,000 કરોડ રૂપિયાની પ્રોડક્શન-લિંક્ટેડ પ્રોત્સાહન યોજના (પી.એલ.આઇ.) શરૂ કરી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 22 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ રસ દાખવ્યો છે. આ કંપનીઓએ દેશમાં પાંચ વર્ષમાં 11 લાખ કરોડ રૂપિયાના મોબાઇલ ફોન હેન્ડસેટ્સના ઉત્પાદન માટેની દરખાસ્તો રજૂ કરી છે. કેન્દ્રીય ટેલિકોમ અને માહિતી ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે આ માહિતી આપી છે.
રવિશંકર પ્રસાદે શું કહ્યું?
રવિશંકર પ્રસાદે કહ્યું કે તેનાથી દેશમાં લગભગ 12 લાખ રોજગારની તકો ઉભી થશે. 3 લાખ પ્રત્યક્ષ અને 9 લાખ પરોક્ષ રોજગારની તકો રહેશે. પ્રસાદે કહ્યું, ‘લગભગ 11 લાખ કરોડ રૂપિયાના મોબાઈલ બનાવવાની, લગભગ 7 લાખ કરોડ રૂપિયાના મોબાઇલ ફોનની નિકાસ કરવાની દરખાસ્તો છે. હું વ્યક્તિગત રૂપે અરજી કરનારી કંપનીઓનો આભાર માનું છું. ”
વિદેશી કંપનીઓ શામેલ છે
તેમણે કહ્યું કે કુલ 22 કંપનીઓએ પીઆઈએલ હેઠળ અરજી કરી છે. જેમાં તાઇવાન, દક્ષિણ કોરિયા, જર્મની અને ઓસ્ટ્રિયાની કંપનીઓ શામેલ છે. પ્રસાદે જણાવ્યું હતું કે યોજના હેઠળ દરખાસ્તો સબમિટ કરતી વિદેશી કંપનીઓમાં સેમસંગ, ફોક્સકોન હોન હે, રાઇઝિંગ સ્ટાર, વિસ્ટ્રોન અને પેગાટ્રોન શામેલ છે. ઉલ્લેખનીય છે કે,ફોક્સકોન હોન હે, વિસ્ટ્રોન, પેગાટ્રોન કરાર પર એપલ આઇફોનનું મેન્યુફેક્ચરિંગ કરે છે.