પીવી સિંધુએ સિંગાપોર ઓપન સુપર-500 બેડમિન્ટન ટુર્નામેન્ટ (સિંગાપોર ઓપન 2022)નું ટાઇટલ જીત્યું છે. ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ મહિલા સિંગલ્સની ફાઇનલમાં ચીનની વાંગ ઝીને હરાવી હતી. તેણે આ મેચ 21-9, 11-21 અને 21-15થી જીતી હતી. સિંધુએ આ વર્ષે આ પ્રથમ સુપર-500 બેડમિન્ટન ટૂર્નામેન્ટ જીતી છે. અગાઉ સિંધુએ બે સુપર-300 ટૂર્નામેન્ટ ટાઈટલ સૈયદ મોદી ઈન્ટરનેશનલ અને સ્વિસ ઓપન જીત્યા હતા. સિંધુએ સિંગાપોર ઓપન જીતીને કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ માટેનો પોતાનો દાવો મજબૂત કર્યો છે.
પીવી સિંધુને સિંગાપોર ઓપનની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં ચીનની વાંગ ઝી યી સામે ટક્કરનો સામનો કરવો પડ્યો હતો. ચીનના ખેલાડીએ પહેલા ગમમાં શાનદાર શરૂઆત કરી હતી અને સતત 2 પોઈન્ટ મેળવ્યા હતા. જોકે, આ પછી સિંધુએ જબરદસ્ત વાપસી કરીને નેટમાં શાનદાર રમત બતાવી અને સતત 13 પોઈન્ટ મેળવ્યા. ત્યારબાદ સિંધુએ પાછું વળીને જોયું નથી અને પહેલી ગેમ આસાનીથી 21-9થી જીતી લીધી હતી.
બીજી ગેમમાં ચીનના વાંગ ઝીએ જબરદસ્ત વાપસી કરી અને સતત 6 પોઈન્ટ મેળવ્યા. જોકે, આ પછી સિંધુએ બે પોઈન્ટ લઈને અંતર ઘટાડ્યું હતું. પરંતુ, વાંગ ઝીએ ફરીથી નેટ અને ક્રોસ કોર્ટ પર 8 પોઈન્ટથી વધુની લીડ લીધી અને પછી બીજી ગેમ 21-11થી જીતી લીધી.
ત્રીજી ગેમમાં પણ ચીનના વાંગ ઝીએ સારી શરૂઆત કરી અને ત્રણ પોઈન્ટ મેળવ્યા. સિંધુ પ્રથમ વખત ફાઇનલમાં પાછળ રહી હતી. જો કે, આ પછી વાંગે ભૂલ કરી અને સિંધુએ તેનો ફાયદો ઉઠાવતા પહેલા લીડ ઓછી કરી અને પછી પોતે એક પોઈન્ટની લીડ મેળવી લીધી. ત્રીજા ગમમાં બ્રેક સમયે સિંધુ 11-6થી આગળ હતી. પરંતુ, આ પછી ચીનના ખેલાડીએ સળંગ 3 પોઈન્ટ બનાવ્યા અને લીડને 2 પોઈન્ટની થઈ ગઈ. પરંતુ, સિંધુ દબાણમાં તૂટતી ન હતી અને ફરીથી 4 પોઈન્ટની સરસાઈ મેળવી હતી અને ત્રીજી ગેમ 21-15થી જીતીને સિંગાપોર ઓપન જીતી હતી.
આ વર્ષે માર્ચમાં કોરિયા ઓપન ટાઈટલ જીત્યા બાદ સિંધુની આ પહેલી ફાઈનલ હતી. તે જ સમયે, વાંગ ઝીએ અગાઉ જૂનમાં ઈન્ડોનેશિયા ઓપનની ફાઈનલ રમી હતી, જેમાં તે તાઈ ત્ઝુ યિંગ સામે હારી ગઈ હતી. સિંગાપોર ઓપન તેની વર્ષની બીજી ફાઈનલ હતી.
આ અગાઉ સિંધુએ સિંગાપોર ઓપનની સેમી ફાઇનલમાં જાપાનની સાઇના કાવાકામીને 21-15, 21-7થી પરાજય આપ્યો હતો. સિંધુએ આ મેચ માત્ર 31 મિનિટમાં જીતી લીધી હતી. સિંધુએ આ વર્ષે એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
પીવી સિંધુએ સિંગાપોર ઓપનના પ્રથમ રાઉન્ડમાં લિયાન ટેનને હરાવ્યો હતો. ત્યારબાદ તેણે લિન ગુયેનને 19-21, 21-19 અને 21-18થી હરાવ્યો હતો. ભારતીય શટલરે ક્વાર્ટર ફાઇનલમાં હાન યુઇ સામે વિજય નોંધાવ્યો હતો.