ઉત્તરભારતમાં થઈ રહેલ ભારે હીમવર્ષાને પગલે ઠંડા બર્ફીલા પવનો ફુંકાવાના કારણે આણંદ શહેર સહિત જિલ્લાભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં લગભગ ૪ ડિ.સે. જેટલો ઘટાડો નોંધાતા આણંદ જિલ્લાવાસીઓ કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને મોડી સાંજથી વહેલી પરોઢ સુધી ઠંડીનું જોર વધુ રહેતા સામાન્ય જનજીવન ઉપર તેની અસર વર્તાઈ રહી છે. આગામી ત્રણ દિવસ દરમ્યાન જિલ્લામાં ઠંડીનું જોર યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. નાતાલ પર્વની આસપાસના દિવસોમાં આણંદ જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાતા જિલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. જો કે છેલ્લા બે દિવસથી ધીમે-ધીમે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનું જોર વધવા પામ્યું છે. તેમાંય ઉત્તરભારતમાં થઈ રહેલ ભારે હીમવર્ષાને પગલે ઠંડા બર્ફીલા પવનો ગુજરાત તરફ ફુંકાવાના કારણે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં પુન: ઠંડીનું જોર વધવા પામ્યું છે. તેમાંય ગુરૃવારના રોજ લઘુત્તમ તાપમાન ૧૪.૨ ડિ.સે. નોંધાયા બાદ આજે સવારે તાપમાનનો પારો વધુ ૩.૭ ડિ.સે. ગગડીને ૧૦.૫ ઉપર પહોંચી જતા જિલ્લામાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.
કાતિલ ઠંડીના કારણે લોકોએ દિવસ દરમ્યાન પણ ગરમ વસ્ત્રો ધારણ કરવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને મોડી સાંજથી વહેલી પરોઢ સુધી ઠંડીનં જોર વધુ રહેતા શ્રમિક વર્ગ તાપણાં સળગાવી ઠંડી સામે રક્ષણ મેળવતા દ્રશ્યમાન થઈ રહ્યા છે. તો બીજી તરફ ગરમવસ્ત્રોના વેચાણમાં પણ તેજી આવી છે. શહેરના વિવિધ બજારોમાં ગરમ વસ્ત્રોની ખરીદીમાં ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ઠંડીનું જોર વધતા ધરતીપુત્રો પણ આનંદમાં આવી ગયા છે. આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૨૫.૦ ડિ.સે. લઘુત્તમ તાપમાન ૧૦.૫ અને સરેરાશ તાપમાન ૧૭.૮ ડિ.સે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા, પવનની ઝડપ ૪.૭ કિ.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૭.૮ રહેવા પામ્યો હતો. ઉત્તરભારતમાં થઈ રહેલ હિમવર્ષાની અસર આણંદ જિલ્લામાં પણ વર્તાઈ રહી છે અને તેજ પવનો ફુંકાવાના કારણે ઠંડીનું જોર વધવા પામ્યું છે. જે આગામી ત્રણ દિવસ દરમ્યાન પણ યથાવત રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.