નવી દિલ્હી : કોરોનાવાયરસની અસર હવે મોટી ભારતીય કંપનીઓ પર પણ થવા લાગી છે. દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક ટાટા સ્ટીલ ( Tata Steel ) પણ આનાથી બાકાત રહી નથી. ટાટા સ્ટીલે સ્વીકાર્યું છે કે, હવે કંપનીએ તેની કાચી સામગ્રી માટે ચીન સિવાય અન્ય દેશો તરફ વળવું પડશે. કોરોના વાયરસનો ચેપ ચીનમાં એટલો ફેલાયો છે કે તેની સીધી અસર ભારતીય કંપનીઓ પર પડી રહી છે.
ટાટા સ્ટીલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ટાટા નરેન્દ્રએ કહ્યું હતું કે, કોરોના વાયરસના ચેપને કારણે કંપની ચીનમાં કાચા માલનું સોર્સિંગ નથી કરી રહી. તેના બદલે, કંપની હવે અન્ય વિકલ્પો પર વિચારણા કરી રહી છે જ્યાંથી કાચા માલનું સોર્સ કરી શકાય છે. તેમણે વધુમાં કહ્યું કે, કંપનીએ વાયરસના કારણે જોખમનું મૂલ્યાંકન કર્યું છે. ટાટા સ્ટીલે બ્રાઝિલ અને તુર્કી જેવા વૈકલ્પિક બજારોમાંથી માલ ખરીદવાના ઓર્ડર આપ્યા છે.
50 અબજ ડોલરથી વધુનું નુકસાન
યુનાઇટેડ નેશન્સના તાજેતરના અહેવાલ મુજબ, કોરોના વાયરસના ચેપને કારણે વિશ્વભરના ઉદ્યોગોને 50 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાયરસના કારણે માત્ર ચીન જ નહીં પણ અન્ય તમામ નાના અને મોટા દેશોને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. તેની અસર ભારતમાં જોવા મળી રહી છે. કંપનીઓને ચીનથી આવતા સસ્તા કાચા માલ અને અન્ય ઉત્પાદનોની અછત વર્તાઈ રહી છે.